લોકસભાની ચૂંટણીલક્ષી તૈયારીઓ તેજ : ૧ સપ્ટેમ્બરથી મતદારયાદી સુધારણા : બદલીઓને બ્રેક

ગાંધીનગર : ‘તાવડી તેર વાના માગે’ એમ ચૂંટણી પ્રક્રિયા માટે પણ અનેક તૈયારીઓ બહુ પહેલેથી જ કરવી પડતી હોય છે. પ્રતિ વર્ષ હાથ ધરાતા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ સહિત વિવિધ મુદ્દે કેન્દ્રીય ચૂંટણી પંચે એટલે જ અત્યારથી જ કેટલીક સુચનાઓ આપવા માંડી છે.
હાલ મતદાન મથકોની ભૌતિક ચકાસણી ચાલી રહી છે અને તેનું પુનર્ગઠન કરવાનું થાય છે. આ કાર્યવાહી ૩૧ જુલાઈ સુધી ચાલશે. ઓગષ્ટમાં પુરવણી યાદી તૈયાર કરાશે. ૧ સપ્ટેમ્બરથી ૧૫ ઓક્ટોબર સુધી મતદારયાદી સુધારણા અન્વયે નામ ઉમેરા-કમી-સુધારા વગેરે અરજીઓ સ્વીકારાશે. એ હક્ક-દાવાનો નિકાલ ૩૦ નવેમ્બર સુધીમાં કરી નાખીને મતદારયાદીની આખરી પ્રસિધ્ધિ ૪ જાન્યુઆરીએ કરાશે.
કેન્દ્રીય ચૂંટણીપંચે તાકીદ કરી છે કે મતદાર યાદી તૈયાર કરવાની કામગીરીમાં મુખ્ય ભૂમિકા ધરાવતા અધિકારીઓ જેવા કે જિલ્લા ચૂંટણી અધિકારી (કલેક્ટર), નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, મતદાર નોંધણી અધિકારી અને મદદનીશ મતદાર નોંધણી અધિકારી વગેરેની બદલી આ કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી કેન્દ્રીય ચૂંટણી પંચની પૂર્વ મંજૂરી વિના ન કરવી. મદદનીશ મતદાર નોંધણી અધિકારી અને તેનાથી નીચેની કક્ષાના બૂથ લેવલ ઓફિસર વગેરેની બદલી વિશે રાજયના મુખ્ય નિર્વાચન અધિકારી નિર્ણય કરી શકશે. મતદાર યાદી સુધારણા કામમાં તંત્રને જરૂ પડ્‌યે વિવિધ વિભાગના કર્મચારીઓ પુરા પાડવા સૂચના અપાઈ છે. આ ઉપરાંત, જયાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, મતદાર નોંધણી અધિકારી તેમજ મદદનીશ મતદાર નોંધણી અધિકારીની જગ્યા ખાલી પડેલી હોય તે તત્કાલ ભરવા પણ તાકીદ કરવામાં આવી છે.