લૂંટ થઈ છે.. જલ્દી આવો.. ભુજમાં પોલીસ થઈ દોડતી

ભુજ : શહેરના મંગલમ ચાર રસ્તા પાસે આવીને કાર ચાલકે પોલીસને ફોન કર્યો કે મંગલમ ચાર રસ્તા પાસે પોતાની સાથે લૂંટ થઈ છે. જેથી કંટ્રોલ રૂમ દ્વારા એ ડિવિઝન પોલીસને ત્વરીત સ્થળ પર જવા સુચના અપાઈ હતી. જેને પગલે એ ડિવિઝન પીએસઆઈ વાય. પી. જાડેજા સહિતનો કાફલો મંગલમ ચાર રસ્તા પાસે દોડી ગયો હતો. જયાં તપાસ કરતા કોઈ લૂંટનો બનાવ ન બન્યો હોવાનું જણાઈ આવ્યું હતું. આ દરમ્યાન સફેદ કલરની સ્વીફટ ગાડીમાં એક વ્યક્તિ આવ્યો અને લૂંટ થઈ હોવાની વર્દી પોતે આપી હોવાની હકિકત જણાવી હતી. પોલીસમાં ફોન કરનાર એ યુવક દારૂના નશામાં ચકનાચુર હતો. તપાસ દરમ્યાન તે સંસ્કારનગરના વિદ્યા નગર સોસાયટીમાં રહેતો હોવાનું અને તેનેું નામ પંકજભાઈ રામજીભાઈ ચૌહાણ (ઉ.વ.૪પ) હોવાનું સામે આવ્યું હતું. આરોપી પાસે દારૂ પીવાની પરમીટ બાબતે પુછતા તેણે પરમીટ બતાવી હતી, પરંતુ તેમાં ઘરે બેસીને કેફી પીણું પીવાની છૂટ હતી. તેમ છતાં આરોપીએ દારૂ પી જાહેરમાં નિકળતા તેની વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો છે. પોલીસે જાહેરમાં કેફીપીણું પીધેલી હાલતમાં મળી આવવા સબબ ગુનો દાખલ કરી અઢી લાખની કિંમતની જી.જે.૧ર.ડી.એસ.૦૧૭૭ નંબરની ગાડી કબજે કરી હતી.