લૂંટ, ચોરી અને ઘરફોડીમાં સંડોવાયેલા ૪ રીઢા શખ્સોની કરાઈ ધરપકડ

પશ્ચિમ કચ્છ એલસીબીએ મુન્દ્રામાંથી આરોપીઓને ઝડપી ૬૪ હજારનો મુદ્દામાલ કર્યો કબ્જે : મુન્દ્રા પોલીસ સ્ટેશન વિસ્તારના ૩ અને અંજારના રતનાલમાં થયેલી ઘરફોડીનો ઉકેલાયો ભેદ

ભુજ : પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે મુન્દ્રામાંથી લૂંટ, કેબલ ચોરી અને ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા ૪ રીઢા શખ્સોને દબોચી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓના કારણે મુન્દ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા ૩ ગુના અને અંજારના રતલમાં થયેલ ઘરફોડીનો ભેદ ઉકેલાયો છે. પોલીસે ઝડપાયેલા આરોપીઓના કબ્જામાંથી રોકડા રૂા.૩૬ હજાર સહિત ૬૪ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ઝરાપર વિસ્તારમાં આવેલ કન્ટેનર સોશ્યુલશ એમટી યાર્ડમાં તેમજ ભુજ-મુન્દ્રા હાઈવે પર બબિયા ગામ નજીક અજાણ્યા ઈસમોએ છરી બતાવીને રોકડ રકમ તેમજ મોબાઈલ ફોનની લૂંટ કરી હતી. ટ્રક ચાલકો સાથે કરાયેલી આ લૂંટના બનાવમાં રેન્જ આઈજીપી જે.આર. મોથલિયા તેમજ ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક મયુર પાટીલની સૂચનાથી પશ્ચિમ કચ્છ એલસીબીનો સ્ટાફ ઈન્ચાર્જ પીઆઈ એસ.જે. રાણા અને મુન્દ્રા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પીઆઈ એમ.આર. બારોટની રાહબરી સાથે જુદી-જુદી ટીમો બનાવીને વણશોધાયેલા ગુનાના ડીટેક્શન માટે પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન પોલીસને મળેલી સચોટ અને ભરોસાલાયક બાતમીના આધારે મુન્દ્રામાં આવેલ ફર્ન હોટલની પાછળ ઝુંપડામાં રહેતા રમેશ આતુભાઈ પરમારને ઝુંપડામાં દરોડો પડાયો હતો. પોલીસને આ ઝુંપડામાં કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ થતી હોવાની બાતમી મળી હતી ત્યારે પોલીસના દરોડામાં આરોપી રમેશ આતુ પરમાર, વલ્લભ કમાભાઈ સરવૈયા, કિશોર વિરૂભાઈ પરમાર અને અજીત ઉર્ફે ટીહલો પુનાભાઈ વાઘેલાની ધરપકડ કરવામાં આવી હતી. તમામ આરોપીઓ મૂળ ભાવનગર જિલ્લાના વતની હોવાનું જાણવા મળ્યું હતું, જેમાંથી રમેશ ફર્ન હોટલ પાછળ આવેલા ઝુંપડામાં રહેતો હતો. આરોપીઓના કબ્જામાંથી પોલીસે ૩૬ હજારની રોકડ રકમ, ૧પ હજારની કિંમતના ૩ નંગ મોબાઈલ, બબિયા નજીક લૂંટમાં ગયેલો ૮ હજારનો મોબાઈલ તેમજ રતનાલ ગામે ઘરફોડ ચોરીમાં ગયેલ પાંચ હજારનો એક મોબાઈલ મળીને કુલ ૬૪ હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. પોલીસે કરેલી કાર્યવાહીમાં મુન્દ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા લૂંટના બે બનાવ તેમજ કેબલ ચોરીનો એક બનાવ અને અંજારના રતનાલમાં કરાયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો હતો. આરોપીઓ પૈકી કિશોર પરમાર વિરૂદ્ધ અગાઉ પ્રોહિબિશનના ૯ અને શરીર સંબંધી એક ગુનો નોંધાયેલો હતો. આરોપી વલ્લભ વિરૂદ્ધ પ્રોહિબિશનના ૪ અને શરીર સંબંધી ર ગુના જ્યારે અજીત વિરૂદ્ધ પ્રોહિબીશનનો એક ગુનો અગાઉ નોંધાયેલો હતો. એલસીબી અને મુન્દ્રા પોલીસે સંયુક્ત રીતે આ ઓપરેશન પાર પાડી ચાર રીઢા શખ્સોને ઝડપી પાડ્યા હતા.