લુણાવાડામાં રામ જન્મભૂમિની બોગસ વેબ-સાઇટ ખોલી ઓનલાઇન ઠગાઈ

(જી.એન.એસ)લુણાવાડા,લુણાવાડામાં બે મહિના અગાઉ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા નિર્માણ મંદિરની વેબ સાઈટ ઉપર ઓનલાઇન ઠગાઈનો ભોગ બનનારની પત્નીએ લુણાવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદની તપાસ ઇન્ચાર્જ એસઓજી પીઆઇ ભરવાડે હાથ ધરી હતી. તપાસમાં આ બોગસ વેબસાઈટ થી લુણાવાડામાં ભોગ બનનાર મહિલાના પતિના એકાઉન્ટમાંથી દાન પેટેના રૂપિયા ૨૧,૦૦૦ ની છેતરપીંડી થયેલ હોવાનુ તપાસમાં બહાર આવ્યું હતું.પોલીસે જરૂરી ટેકનીકલ માહિતી મેળવતા આ ફેક વેબ-સાઇટ બનાવનારનુ લોકેશન બીહાર(પટના) ખાતેનું મળી આવ્યું હતું. જેથી પોલીસની ટીમ બનાવી બિહાર(પટના) ખાતે મોકલીને ટીમે આ ફેક વેબ-સાઇટ બનાવનાર જયોતીશકુમાર જગેવપ્રસાદ કુસ્વાહા, રોહીતકુમાર બીપીનસિહ તથા વિકાસકુમાર રાજકુમાર પ્રસાદ બીહાર (પટના) ખાતેથી પકડી લાવ્યા હતા. તેઓની પુછપરછ દરમ્યાન હકિકત જણાવેલ કે તેઓએ રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે બની રહેલ મંદીરના દાન માટે બનાવેલ ખોટી વેબ-સાઇટ દિલ્હી ખાતે રહેતા રાજીવ કુમાર નાઓએ બનાવી આપી હતી.
ત્યારબાદ વેબ-સાઇટ ની અંદર એકાઉન્ટ ધારકનુ નામ બિટ્ટુ કુમાર હોય જેના વિશે પુછતા બિહાર પટના ખાતે મજુરી કામ કરતા મજુરોના તેઓનો કોન્ટ્રાકટર જે-તે મજુરોના ખાતા કોટેક મહીન્દ્રા બેંકમા મોબાઇલ બેંકીંગ થી ખોલીને જે ખાતાઓના એ.ટી.એમ.બિટ્ટુ નામનો વ્યકિત કુરીયર મારફતે મોકલતો હતો. જે એ.ટી.એમ.વિકાસ નામનો ઇસમ મેળવી મોબાઇલ નંબર દ્વાર પીન ઝનરેટ કરી પૈસા ઉપાડી લેતો હતો.આ ખોટી વેબ-સાઇટ ડીઝાઇન કરી ગુગલ એપ મારફતે ગુગલ પર મુકી રામ મંદીરનો ઓરીઝનલ મોબાઇલ નંબર ફેક વેબ-સાઇટ પર મુકી લોકોને વેબ-સાઇટ સાચી હોવાનુ ભરમાવી બિટ્ટુ કુમાર ના નામે કોટક મહીન્દ્રા બેંકમાં ખોટુ એકાઉન્ટ ખોલાવેલ હતુ. જેમા બેંક પાસે બેંક સ્ટેટમેન્ટ કઢાવતા કુલ ઉપાડેલ રકમ ૯,૫૬,૫૬૮ રૂપિયા નુ હોવાનુ જાણવા મળેલ તથા કોટેક મહિન્દ્રાબેંકની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરી વાપરવામા આવતો રેડમી કંપનીનો એન્ડ્રોઇડ ફોનમાં કોટેક મહિન્દ્રાબેંકને આ ખાતા ધારકના નામનુ બેંક એકાઉન્ટ સીઝ કરવા માટે રીપોર્ટ કરવામા આવેલ છે.તેમજ બીજી અન્ય બેંકોમા અલગ અલગ ખાતા ખોલાવી છેતરપીંડી કરી ગુન્હો આચરતી ત્રિપુટી મળી આવતા તેઓની પાસેથી અલગ અલગ બેંકોના એ.ટી.એમ.કાર્ડ તેમજ ક્રેડીટ કાર્ડ નંગ-૧૦ તથા અલગ અલગ કંપનીના બ્રાન્ડેડ એન્ડ્રોરોઇડ મોબાઇલો તેમજ સીમ કાર્ડ નંગ-૯ તથા ફોર્ડ કંપનીની ઇકોસ્પોર્ટ ફોરવીલ ગાડી તથા રોકડ રકમ રૂપિયા ૨૩,૧૬૦નો મુદ્દામાલ ગુન્હાના કામે કબ્જે કરી આરોપીઓનો કોવીડ-૧૯નો ટેસ્ટ કરાવી રીપોર્ટ નેગેટીવ આવતા આરોપીઓને અટક કરી કોર્ટમા રજુ કરી રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. આમ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા નિર્માણ મંદિરની બોગસ વેબ સાઈટનો પર્દાફાશ મહિસાગર એસઓજી અને લુણાવાડા પોલીસે કર્યો હતો.