લુણવાની વાડીઓમાં તસ્કરોનો તરખાટ : ર.૩ર લાખનો કેબલ ચોરાયો

electric, cable wire

ત્રણ વાડીઓમાંથી સોલારનો પ૪૦૦ મીટરનો વાયર અજાણ્યા તસ્કરો તફડાવી ગયા

(ક્રાઈમ પ્રતિનિધિ)ભચાઉ : જિલ્લામાં કેબલ ચોરીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. પવનચક્કી કંપની કે ખેડૂતોની વાડીઓ પરની મોટરો અને સોલાર પેનલો પણ સલામત રહી નથી. તસ્કરો બેફામ પણે સીમ વિસ્તારોમાંથી કેબલ ચોરી કરી રહ્યા છે. તેવામાં ભચાઉ તાલુકાના લુણવા ગામની સીમમાં વિવિધ ત્રણ વાડીઓને નિશાન બનાવીને તસ્કરોએ ર.૩ર લાખના કેબલની ચોરી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ બનાવ અંગે રામાભાઈ ભચાભાઈ વરચંદે ભચાઉ પોલીસ મથકે કેબલ ચોરી અંગે ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદીની વાડી લુણવા ગામની સીમમાં આવેલી છે, જેમાં બે સોલાર પાવર જોડાણ તેમણે લીધેલા છે. બન્ને જોડાણમાંથી ત્રણ હજાર મીટર સોલાર કેબલની ચોરી કરાઈ હતી. તો તેમની બાજુમાં આવેલ રસીલાબેન જેન્તીલાલ સુરાણીની વાડીમાંથી ૯૦૦ મીટર અને હંસરાજ વિશ્રામ સુરાણીની વાડીમાંથી ૧પ૦૦ મીટર કેબલની ચોરી થઈ હતી. ત્રણેય વાડીઓને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવીને કુલ્લ પ૪૦૦ મીટર સોલાર કેબલ કિંમત રૂા. ર,૩ર,૦૦૦ની ચોરી કરી હતી. બનાવને પગલે ભચાઉ પોલીસ મથકે ગુનો નોંધાતા પીઆઈ સિદ્ધાર્થકુમાર તરંગીયાએ આગળની તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે, કચ્છમાં કેબલ ચોરીના બનાવો વધ્યા છે. અનેક ફરિયાદો પણ નોધાઈ રહી છે, પરંતુ ગુનાઓનું ધાર્યું ડીટેક્શન થતું નથી. કેટલાક કિસ્સાઓમાં તો પોલીસ ફરિયાદ નોંધવામાં પણ આનાકાની કરે છે. કેટલાક બનાવોમાં આરોપીઓ હાથ લાગી ગયા બાદ ફરિયાદ નોંધાય છે. આ બધાની વચ્ચે રેઢા પડેલા સીમાડાઓમાં થતી કેબલ ચોરી અટકાવવા માટે પોલીસ દ્વારા ચુસ્ત પેટ્રોલીંગ કરાય તેવી માંગ ખેડૂત વર્ગમાંથી ઉઠી રહી છે. પોલીસ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં જીઆરડી જવાનોની નિમણૂંક કરાઈ છે, પરંતુ તેઓ શું કામગીરી કરી રહ્યા છે તે પણ સવાલ છે. આવા જીઆરડી જવાનો પાસેથી નાઈટ પેટ્રોલીંગ સહિતની કામગીરી લેવામાં આવે અને ચોરીના આવા બનાવોમાં જે તે બીટના જવાબદારોની જવાબદારી નક્કી કરી નક્કર પગલા લેવાય તો કેબલ ચોરી અને ચીભડચોરીની ઘટનાઓ પર અંકુશ લાવી શકાય તેમ છે.