લુણંગધામ મધ્યે કોવિડ કેર સેન્ટર અને મહેશ્વરી સમાજની પ્રથમ હોસ્પિટલના નિર્માણની તૈયારી આરંભાઈ

મુન્દ્રા : કોરોનાકાળમાં તબીબી સેવાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે લુણંગધામ – લુણી (મુન્દ્રા) મધ્યે કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ થયો અને નવી હોસ્પિટલના નિર્માણ માટે તૈયાર આરંભાઈ છે.લોકોમાં અજ્ઞાનતાને કારણે જ્યારે ઘરમાં એક વ્યક્તિને કોરોનાનો ચેપ લાગતો હોય અને એક જ રૂમમાં બધા રહેતાં હોય તો કોરોના સંક્રમણ વધુ ફેલાઈ શકવાની સંભાવના હોય છે. આવા સંજોગોમાં ચેપગ્રસ્ત વ્યક્તિને વિશેષ સારવાર અને કાળજીની જરૂર હોય છે. આવો સૂર લુણંગધામ મધ્યે વ્યક્ત થયો અને આવા સંક્રમણ પામેલા વ્યક્તિઓ માટે કોવિડ કેર સેન્ટરમાં આઈસોલેશન વોર્ડ ઉભો કરીને સેવા કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો અને તા. ૧૬-પ-ર૧ના સવારે આ સેન્ટર કાર્યરત થયો હતો.આ પ્રસંગે કચ્છ જિલ્લા મહેશ્વરી સમાજના અને ટ્રસ્ટના પ્રમુખ કિશોરભાઈ પિંગોલ, કંડલા કોમ્પલેક્ષ પ્રમુખ અશોકભાઈ ઘેલા, જિલ્લા કાર્યકારી પ્રમુખ નરેશભાઈ ફુલિયા, શ્રી ગુડથર મતિયા ધામના પ્રમુખ લક્ષમણભાઈ ભરાડીયા, ભુજ તાલુકા પ્રમુખ મંગલભાઈ ફમા, અંજારના બાબુભાઈ વિશરીયા, જિલ્લા પંચાયત સભ્ય નારાણભાઈ બળીયા, તાલુકા પંચાયત મુન્દ્રાના સભ્ય નવીનભાઈ મહેશ્વરી, ગણેશનગર સમાજના અને કોમ્પ્લેક્ષના કાર્યકારી પ્રમુખ હીરાભાઈ ધુઆ, મહામંત્રી જીવરાજ ભાંભી, એડ. લક્ષ્મીચંદ ફફલ, એન્જીનીયર ગુલાલભાઈ ચુંઈયા સહિત અનેક નામી અનામી આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. સભાના પ્રારંભે કોરોના મહામારીના દિવંગત થયેલાં વ્યક્તિઓ માટે મૌન પાળવામાં આવ્યો હતો. કોવિડ કેર સેન્ટરના મેડિકલ સ્ટાફે વ્યવસ્થાપન વિગતો રજૂ કરી હતી. મુકેશભાઈ મેઘાણી અને સમગ્ર મેડીકલ ટીમ આ સેન્ટરનું સંચાલન કરશે એવી ખાત્રી આપી હતી. અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટના મહામંત્રી ડો. એલ.વી. ફફલે સભાના વિવિધ એજન્ડા રજૂ કર્યા હતા. જે પૈકી લુણંગધામ મધ્યે અદ્યતન અને વિશાળ હોસ્પિટલનું નિર્માણ થાય તેના ઉપર ઉપસ્થિતોએ પોતાના મંતવ્યો અને સૂચનો રજૂ કર્યા હતા. ટ્રસ્ટ પ્રમુખ કિશોરભાઈએ આ હોસ્પિટલ કયા પ્રકારની હશે તેનો નકશો રજૂ કર્યો હતો અને ભવિષ્યમાં કચ્છના મુખ્ય મથક અને તાલુકા કક્ષાએ પણ આ પ્રકારની કાર્યવાહી હાથ ધરાશે એવું જણાવ્યું હતું. આ સેન્ટરના પ્રારંભને સફળ બનાવવા ટ્રસ્ટના તમામ હોદેદારો, ખજાનચી ખેતશી નંજાર અને ઉપપ્રમુખ મંગલભાઈ ખાંખલા, તમામ સભ્યો, સમાજિક અને રાજકીય અગ્રણીઓ અને સ્ટાફે જહેમત ઉઠાવી હતી અને તમામ આગેવાનો દ્વારા સેન્ટરનો ઉદઘાટન કરવામાં આવ્યો હતો.