લુડબાય-બુરકલમાંથી પકડાયેલ લાકડા-કોલસા વનતંત્રને સોપાયા

નખત્રાણા : તાલુકાના લુડબાય અને બુરકલ સીમમાં એસઓજીએ છાપો મારી ૧.૯૪ લાખના કોલસા તથા લાકડાનો જથ્થો પકડી પાડી વનતંત્રના હવાલે કર્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પશ્ચિમ કચ્છ એસપી એમ.એસ. ભરાડાના માર્ગદર્શન હેઠળ સ્ટાફે લુડબાય ગામની સીમમાં છાપો મારી ૮૦ હજારની કિંમતના ૪૦૦ બોરી કોલસા સાથે લુડબાયના રહીમદાદ જતની અટકાયત કરી હતી જ્યારે બુરકલ ગામની સીમમાંથી ૪૦ હજારના ર૦૦ બોરી કોલસા અને ૮ હજારના ર૦૦ મણ લાકડા મળી ૪૮ હજારના મુદ્દામાલ સાથે બુકરલના હાજી સરૂન જતને ઝડપી પાડ્યો હતો. તો બુરકલ ગામના સીમાડામાંથી પ૦ બોરી કોલસા કિં.રૂ. ૧૦ હજાર અને ૬૦ હજારના ૧પ૦૦ મણ લાકડા સાથે કાસમ બુઢા જત (રહે. બુરકલ)ને પકડી પાડ્યો હતો. સીઆરપીસી ૧૦ર હેઠળ જથ્થો કબજે લઈ આરોપીઓની ધરપકડ કરી નરા પોલીસને સોંપતા પોલીસે કોલસા-લાકડાનો જથ્થો તથા આરોપીઓને જંગલખાતાના હવાલે કર્યા હતા. આ કામગીરીમાં પીઆઈ વી.કે. ખાંટની સૂચનાથી એસઓજી સ્ટાફના ભાવેશ ચૌધરી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાજીભાઈ રબારી, દિવ્યાંગ બારોટ, સારથી કીર્તિસિંહ જાડેજા વિગેરે જોડાયા હતા.