લીલાશા કુટીયામાં ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ

કાસેઝ દ્વારા લોક ઉપયોગી આરોગ્યલક્ષી સુવિધા ઉપલબ્ધ કરાવાઈ : ર૪ કલાકમાં અંદાજે ૮૦ બોટલ ઓક્સિજનની ભરાશે : ડીપીટીએ ગોપાલપુરી અને રામબાગમાં ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ કરી છે

ગાંધીધામ : કોરોના કાળ દરમિયાન ગરીબ અને મધ્યમવર્ગ માટે આર્શિવાદ સમાન બનેલા લીલાશા કોવિડ સેન્ટરમાં ભારત વિકાસ પરીષદ તથા અન્ય સંસ્થાઓએ શરૂ કરેલી સુવિધાને કારણે તેનો બહોળા પ્રમાણમાં દર્દીઓએ લાભ લીધો હતો. દરમિયાન સેન્ટર પર ઓક્સિજન પ્લાન્ટ સ્થાપાય તે માટે રજૂઆતો પણ થઈ હતી અને કાસેઝ તથા અન્ય એક પરીવાર દ્વારા તેને સમર્થન આપવા માટે પગલા પણ ભરાયા હતા. દરમિયાન તૈયાર થયેલા ઓક્સિજન પ્લાન્ટનું આજે લોકાર્પણની વિધિ કરવામાં આવી હતી. ર૪ કલાકમાં અંદાજે ૭૦ થી ૮૦ બોટલ ઓક્સિજન ભરાશે તેવો અંદાજ છે.
કોરોનામાં લોકોને ઓક્સિજન ન મળતાં ઠેર ઠેર ભટકવું પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ઓક્સિજનના વાંકે કેટલાક દર્દીઓના મોત પણ થયાની ફરિયાદ ઉઠી હતી. ઓક્સિજનની સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે આર્ય સમાજ સહિત અન્ય સંસ્થાઓએ પણ પોત પોતાની રીતે સહયોગ આપીને ઓક્સિજનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પ્રયત્ન કર્યા હતા. લીલાશા કુટીયા ખાતે ઓક્સિજન પ્લાન્ટની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે અગાઉ મંત્રી વાસણભાઈ આહિરે ટકોર કરી હતી અને જે તે સમયે કાસેઝ અને ડીપીટીને પ્લાન્ટ માટે સૂચન કર્યું હતું. જેના અનુસંધાને કાસેઝ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલ ઓક્સિજન પ્લાન્ટની લોકાર્પણ વિધિ આજે કરવામાં આવી હતી. સ્વાગત પ્રવચન તાલુકા હેલ્થ ઓફિસર ડો. દિનેશ સુતરીયાએ કરીને રૂપરેખા રજૂ કરી હતી. આ પ્રસંગે કાસેઝના ડેપ્યુટી ડેવલપમેન્ટ કમિશનર દિપક ઝાલા, નગરપાલિકા પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ ભરતસિંહ જાડેજા, અન્ય આગેવાનોમાં પંકજભાઈ ઠક્કર, બાબુભાઈ ગુજરીયા, શામજીભાઈ વિરડા, ભોજાભાઈ બોરીચા, પરમાભાઈ પટેલ, અંજાર તાલુકા પંચાયતના પ્રમુખ રાજીબેન, મામલતદાર ચિરાગ હિરવાણીયા, વિનોદ ગેલોતર, શંભુભાઈ આહિર, ધનજીભાઈ હુંબલ, ડો. પાર્થ જાની અને પીઆરઓ વિનોદ મંડલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.નોંધનીય છે કે, દીન દયાળ પોર્ટ દ્વારા કોરોનાની સ્થિતિ સંદર્ભે ઓક્સિજનની જરૂરીયાત ઉભી થાય તે બાબતે તડામાર તૈયારી શરૂ કરી હતી. ચેરમેન એસ.કે. મેહતાના વડપણ હેઠળ ગોપાલપુરીમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપમાં આવ્યો હતો.ત્યારબાદ રામબાગ હોસ્પિટલમાં પણ ઓક્સિજન પ્લાન્ટની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે કાર્યવાહી શરૂ કરાવી હતી.હાલ આ બે પ્લાન્ટ ડીપીટી દ્વારા તૈયાર કરીને લોકહિતાર્થે મુકવામાં આવ્યા છે. ડીપીટીએ થોડા સમય પહેલા ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં પણ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરાવ્યો હતો.

વાહ રે..સરકાર તારી બલિહારી..! કામ કરનારાની બાદબાકી,૧-૧ માસ રજામાં રહેનારાઓને કોરોના વોરિયર્સનું સન્માન..!

સરકાર તબક્કે કચ્છમાં કોરોના વોરિયર્સના સન્માન કાર્યક્રમમાં પૂર્વ કચ્છમાં લીલાશા કુટીયામાં રાઉન્ડ ધી કલોક સેવા બજાવનારા ડો. પાર્થ જાની અને તેમની ટીમની બાદબાકી બની રહી છે ટીકાપાત્ર : ગાંધીધામના ટીએચઓ શ્રી સુતરીયા અને તેમનો સ્ટાફ પણ પ્રથમ અને દ્વીતીય લહેરમાં રહ્યો છે ખડેપગે, તેમની પણ ન લેવાઈ નોધ

સરકારની સારી ઈચ્છા પછી પણ સ્થાનીક વહીવટીતંત્રના કિન્નાખોરી ભર્યા વલણ થકી જો..જો..કયાંક ત્રીજી લહેર વખતે સાચો કોરોના યોદ્વા વર્ગ આગળ આવતો અટકી જાય તેવું ન બને : સાચી સેવા કરનારની બાદબાકી કરીને નૈતિક બળ તુટયુું હોવાનો જ દેખાય છે વર્તારો

જુના જોગી સમાન અમુક છાપેલા કાટલા સામાન આરોગ્ય અધિકારીની કનડગતો થકી જ યુવા અને સારા તબીબો સરકારી સેવાથી થઈ રહ્યા છે વિમુખ : જો આવી જ રીતે સરકાર તબીબો – આરોગ્યકર્મીના મોરલ તોડતી રહેશે તો ખાનગી હોસ્પિટલો તરફ વધુને વધુ તબીબો વળવાના જ છે ને..!

ભુજ ખાતે જન આરોગ્ય દિવસની ઉજવણી અંતર્ગત કોરોના વોરિયર્સની બનેલી યાદી તપાસ ઈચ્છે છે ! :અંજારના ક્યા સરકારી આરોગ્ય અધિકારીએ સાચા સેવાભાવીના નામો યાદીમાંથી કઢાવવા ભજવી ભૂંડી ભૂમિકા ?

ગાંધીધામ : ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ સુશાસનના પાંચ વર્ષની ઉજવણી અંતર્ગત વીવિધ કાર્યક્રમો કરવામા આવી રહ્યા છે તે દરમ્યાન જ તાજેતરમાં જ કચ્છમાં પણ રાજયના મુખ્યપ્રધાનશ્રીની ઉપસ્થિતીમાં વિશિષ્ટ કાર્યક્રમ યોજાયા હતા. આ કાર્યક્રમમાં કોરોનાની ઘાતક વેવ વખતે કામ કરનારાઓને પણ બિરદાવવામાં આવ્યા હતા પરંતુ જાણે કે, કચ્છમાં આ યાદી જેઓએ પણ તૈયાર કરી હોય તેવા વહીવટીતંત્ર દ્વારા માત્ર સારા નહી મારા, અને અળતીયા-મળતીયાઓને જ સમાવિષ્ટ કરી દેવાયા હોય તેવો કચવાટ સામે આવી રહ્યો છે. આ રીતે જો સસ્તી પ્રસિદ્ધીઓ માટે જ કોરોના યોદ્વાઓના સન્માન કરવામા આવતા રહેશે તો આગામી લહેરમાં સાચી સેવા, દીવસ રાત એક કરીને ખુદની જાનની ચિંતા કર્યા વિના હકીકતમાં જેઓ કોરોનાના લડવૈયા તરીકે ઉતર્યા હતા તેઓના નૈતિક બળ ભાંગી જશે અને આગામી સમયે સરકારને જયારે જરૂર હશે ત્યારે આવા લડવૈયાઓ હકીકતમાં ગ્રાઉન્ડ લેવલે ન ઉતરે તેવી સ્થિતી પણ સર્જાઈ શકે છે. નોધનીય છે કે, પૂર્વ કચ્છમાં લીલાશા કુટીયા કોવિદ કેર સેન્ટરમાં ડો. પાર્થ જાની અને તેમની ટીમ દ્વારા ર૪ કલાક, ખડેપગે, રાત દીવસ જોયા વિના, ખુદના જીવની પરવા કર્યા વગર કોરોનાના દર્દીઓની સેવાઓ કરી હતી અને તે દર્દી અને તેમના સગાવ્હાલાઓ ખુદ કહેતા રહ્યા છે. છતા પણ કોરોના વોરિયર્સની યાદી બનાવાઈ અથવા તો સન્માન કરાયા તેમાં ડો. પાર્થ જાની જેવા તથા તેઓ જે અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ સેવારત હતા તેવા ગાંધીધામ તાલુકાના ટીએચઓ અને તેમની ટુકડી સહિતનાઓની બાદબાકી ટીકાપાત્ર જ બની રહી હોવાનો ગણગણાટ ઠેરઠેરથી ઉઠવા પામી રહ્યો છે.