લીફરી સીમમાં દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસના દરોડા

ભુજ : લખપત તાલુકાના લીફરી સીમમાં દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસે છાપા મારી રર૦૦નો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. રેઈડ દરમ્યાન મેવાનગરના બુટલેગરો નાસી છુટ્યા હતા. તો મોટા યક્ષના મેળામાં નશાની અસર તળે ફરતા ત્રણ પિયક્કડોને પોલીસે પકડી પાડી સલાખો પાછળ ધકેલી દીધા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર લીફરી ગામની સીમમાં દારૂની ભઠ્ઠી ચલાવતા મેવાનગર નખત્રાણાના કાનજી લાલજી સોઢાની ભઠ્ઠી ઉપર પોલીસે છાપો મારી ર૦૦ લીટર દારૂ બનાવવાનો આથો પકડી પાડ્યો હતો. જ્યારે વિજયરાજસિંહ લાલજી સોઢાની ભઠ્ઠી ઉપરથી ૬૦૦ લીટર આથો જ્યારે જગતસિંહ ગજેસિંહ સોઢાની ભઠ્ઠી ઉપરથી ૩૦૦ લીટર આથો એમ રર૦૦ની કિંમતો આથો પકડી પાડ્યો હતો. રેઈડ દરમ્યાન ત્રણેય આરોપીઓ નાસી જતા તેમના સામે સહાયક ફોજદાર બિપીનભાઈ વાઘેલાએ અલાયદી ફોજદારી ફરિયાદો નોંધી ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરેલાનું પીએસઓ કિરીટસિંહ જાડેજાએ જણાવ્યું હતું. બીજી તરફ મોટા યક્ષના મેળામાં કેફીપીણુ પીને ફરતા મોટી વિરાણીના લાલજી જીવરાજ સથવારા (ઉ.વ.૪૧), આદિપુરના યોગેશ કાન્તીલાલ ચારણ (ઉ.વ.રપ) તથા મુળ બિહાર હાલે ભુજ રહેતા રવિન્દ્ર રામસાગર રાયને પોલીસે પકડી પાડી સલાખો પાછળ ધકેલી  દીધા હતા.