લિંચિંગની વધતી ઘટનાઓ બેકારીના કારણે : કોંગ્રેસ

હેમ્બર્ગઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશમાં વધી રહેલી મોબ લિંચિંગ (ભીડ દ્વારા
મારપીટથી હત્યા)ની ઘટનાઓ માટે બેકારીને જવાબદાર ગણાવી છે. જર્મની અને બ્રિટેનના ચાર દિવસના પ્રવાસે ગયેલા રાહુલે કહ્યું, “લિંચિંગની ઘટનાઓ માટે મોદી સરકારની જીએસટી અને નોટબંધી જેવી નીતિઓ જવાબદાર છે. કેન્દ્રએ નોટબંધી-જીએસટીને ખરાબ રીતે લાગુ કરી. તેના કારણે નાના અને મધ્યમ વેપાર બરબાદ થઈ ગયા. તેમાં બેકારીમાં વધારો થયો અને લોકોમાં નારાજગી વધી ગઈ. લિંચિંગ વિશે જે કંઈ પણ આપણે સાંભળીએ છીએ, તે એનું જ પરિણામ છે.”રાહુલ ગાંધીએ બુધવારે હેમ્બર્ગના બુસેરિયસ સમર સ્કૂલના એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ત્યાં તેમણે કહ્યું કે, તેઓ પણ બુસેરિયસ સમર સ્કૂલના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. મારા તે દિવસો બહુ જ સરસ હતા. મને અહીં ઘણું શીખવા મળ્યું છે. અહીં રાહુલે મોદી સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા અને આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં તેમના વિચારો રજૂ કર્યા હતા. આ દરમિયાન તેમણે શ્રોતાઓના સવાલના જવાબ પણ આપ્યા હતા.