લાહોરના શદમાન ચોકનું નામ બદલી ‘ભગતસિંહ ચોક’ રાખવાનો કોર્ટનો આદેશ

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની એક કોર્ટે લાહોર જિલ્લા સરકારને આદેશ આપ્યો છે કે, શાદમાન ચોકનું નામ બદલીને સ્વતંત્રસેનાની ભગતસિંહના નામ પરથી રાખવામા આવે. બ્રિટીશ શાસન દરમિયાન ૮૭ વર્ષ અગાઉ સ્વતંત્રસેનાની ભગતસિંહને અહીં ફાંસી આપવામાં આવી હતી. ભગતસિંહ અને તેમના સાથી રાજગુરૂ અને સુખદેવને પૂર્વવર્તી લાહોર જેલમાં ૨૩મી માર્ચે ફાંસી આપવામાં આવી હતી.
આ શાદમાન ચોક ત્યાં જ બનાવવામાં આવ્યો છે. લાહોર હાઈકોર્ટના ન્યાયાધીશ શાહીદ જમીલ ખાને ભગતસિંહ મેમોરિયલ ફાઉન્ડેશનના અધ્યક્ષ ઈમ્તિયાઝ રશિદ કુરૈશીની  અપીલ પર સુનાવણી હાથ ધરતા લાહોર નાયબ કમિશ્નરને આદેશ આપ્યો છે કે, કાયદામાં રહીને શાદમાન ચોકનું નામ બદલીને ભગતસિંહના નામ પરથી રાખવામાં આવે.આ મામલે અરજી દાખલ કરનારાની દલીલ છે કે, ભગતસિંહે પોતાના સાથીઓ સાથે મળીને આઝાદી માટે કુરબાની આપી. પાકિસ્તાનના સંસ્થાપક કાયદે આઝમ મોહમ્મદ અલી જિણાએ પણ ભગતસિંહને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને કહ્યુ હતું કે, તેઓએ ભગતસિંહ જેવા બહાદુર વ્યક્તિ નથી જોયા.