લાયજામાં પોર્ટના નામે થયેલી રર કરોડની છેતરપિંડીના કિસ્સામાં આરોપીઓની ધરપકડનો માર્ગ મોકળો

ત્રણ આરોપીઓએ પોતાની સામે તપાસ ન કરવા માટે હાઈકોર્ટમાં કરી હતી અરજી : હાઈકોર્ટે ફગાવી દેતા કેસમાં આવશે ગતિ

માંડવી : તાલુકાના લાયજા નજીક પોર્ટના નામે રર કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી, જે કેસમાં આરોપીઓની ધરપકડનો માર્ગ મોકળો બન્યો છે. કારણ કે, આ કેસના ત્રણ આરોપીઓએ પોતાની સામે તપાસ ન કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરતા કોર્ટે અરજી ફગાવી દીધી છે. મળતી માહિતી પ્રમાણે લાયજામાં ભારતનું સૌથી મોટો પોર્ટ બની રહ્યું છે તેવી વાતો વહેતી કરી પોર્ટના નામે નકલી દસ્તાવેજો બતાવીને રોકાણકારોને આકર્ષી રર કરોડ રૂપિયાની છેતરપિંડી કરાઈ હતી. આરોપીઓએ રોકાણકારોના આકર્ષવા એવી લોભામણી જાહેરાત આપી હતી કે, લોજીસ્ટીક પાર્ક પ્રા.લિમિટેડ અને સીલેન્ડ પોર્ટ પ્રા.લિમિટેડ કંપનીઓ લાયજામાં ૪૦ હજાર કરોડથી વધારે રકમનું પ્રોજેકટ લઈને આવે છે. જેથી તમે રોકાણ કરો. પરંતુ રોકાણકારો પાસેથી રૂપિયા લઈ તેઓને જમીનના નકલી દસ્તાવેજ મામલતદાર કચેરીના ખોટા સહી સીક્કા સાથે આપી રર કરોડ પડાવી લેવાયા હતા. ભોગ બનનારે આ અંગે મામલતદાર કચેરીમાં તપાસ કરાવતા પોતે ઠગાઈનો શીકાર બન્યા હોવાનું જાણવા મળ્યું હતું, જેથી આરોપીઓનો સંપર્ક કરતા ભારે વીખવાદ બાદ અંતે તેઓ સમાધાન માટે ઉતર્યા હતા અને ર૦૧૮માં બે વર્ષની મુદત માટેના ચેક અપાયા હતા. પરંતુ મુદત પુરી થતા ચેક રીટર્ન થયા હતા. આ કેસની તપાસ સીઆઈડી ક્રાઈમ દ્વારા કરાવાય તેવી માંગણી પણ કરાઈ હતી. ફરિયાદી મમતાબેન જયંતિલાલ ઠક્કર દ્વારા માંડવી પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. જમીન બાબતે દલાલ તરીકે ભૂમિકા ભજવનારા કરશન કેશવ ગઢવી, પ્રભુરામ ગઢવી અને રમેશગર ગુસાઈએ રપ.૩ર એકર જમીનનો સોદો કરી ર.ર૮ કરોડ જેટલી રકમ પડાવી લીધી હતી. વર્ષ ર૦૧૧માં કુલ્લ સાત લોકો સાથે ઠગાઈ થઈ હતી. જેઓ પાસેથી રર કરોડ જેટલી રકમ લેવામાં આવી હતી. જે કેસમાં આરોપીઓએ પોતાની સામે કાયદેસરની કાર્યવાહી ન કરવામાં આવે તેમજ આ કેસમાં પોતા વિરૂદ્ધ તપાસ ન થાય એ માટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેની સુનાવણી ૮ જુલાઈના હાઈકોર્ટમાં યોજાઈ હતી. પરંતુ કોર્ટે ૧ર તારીખ આપતા ૧ર તારીખે સુનાવણી યોજાઈ હતી, જેમાં કોર્ટે એ વાતનું મુલ્યાંકન કર્યું કે, ફરિયાદીને ફરિયાદ કરવાનો અને તપાસનીશને તપાસ કરવાનો અધિકાર છે, જેના પર રોક લાગે નહીં, જેથી આરોપીઓની અરજી ફગાવી દેવાઈ હતી. જેથી આ કેસમાં સંડોવાયેલા આરોપીઓ સામે જો હવે તટસ્થ તપાસ થશે તો ધરપકડનો માર્ગ મોકળો બન્યો છે. દરમ્યાન આ કેસમાં સમાધાન માટે વચ્ચે પડનારા ગઢવી સમાજના અગ્રણી વિજય ગઢવીને આરોપી પ્રભુરામ ગઢવીના ભાઈ મુળજી ગઢવીએ ધમકી આપતા ફરિયાદ નોંધાઈ હતી. મારા ભાઈની મેટરમાં વચ્ચે ન આવજો તેવું કહી મારી નાખવાની ધમકી અપાતા માંડવીમાં આ સંદર્ભે વધુ એક ગુનો દાખલ થયો હતો. આ કેસમાં ફરીયાદી મમતાબેન વતીથી હાઈકોર્ટમાં ધારાશાસ્ત્રી કિર્તીબેન શાહ, આશીષ ડગલી, હાર્દિક દવે અને અમીત ઠક્કરે હાજર રહી દલીલો કરી હતી.