લાયકાત-કામગીરી એક સમાન વેતનમાં તફાવત જિલ્લાના મલ્ટીપર્પઝ હેલ્થવર્કરને રાજ્યના અન્ય કર્મીઓની તુલનાએ ઓછો પગાર

આરોગ્ય કર્મચારી સંગઠને સીડીએચઓ, ડીડીઓને કરી રજુઆત

ભુજ : જિલ્લામાં ફરજ બજાવતા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ) કર્મચારીઓને રાજ્યના અન્ય કર્મીઓની તુલનાએ ઓછો પગાર મળતો હોઈ પગારની વિસંગતતા દૂર કરવા રજુઆત કરાઈ હતી. ડીડીઓ અને સીડીએચઓને રજુઆત કરીને પૂરતો પગાર આપવા માંગ કરાઈ છે.
કચ્છ જિલ્લાના વિવિધલક્ષી આરોગ્ય કાર્યકર (પુરૂષ) મંડળ દ્વારા ડીડીઓ અને જિલ્લા આરોગ્ય અધિકારીને કરાયેલી રજુઆતમાં જણાવાયું હતું કે, ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ, પશુધન-નિરીક્ષક, ટર્નર/ફિટરની લઘુતમ શૈક્ષણિક લાયકાત તાલીમી કોર્ષ છે. તેમને રપ,૦૦૦-૮૧,૧૦૦ લઘુતમ પગાર ધોરણ આપવામાં આવે છે જેની સામે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની લાયકાત પણ સમક્ષ છે, છતા તેમનું પગાર ધોરણ ૧૯,૯૦૦-૬૩,ર૦૦ લઘુતમ પગાર ધોરણ આપવામાં આવે છે. રાજ્યના અન્ય કર્મીઓની જેમ સમકક્ષ લાયકાત ધરાવતા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરને શા માટે ઓછો પગાર ચૂકવાય છે તેવી રજુઆત કરવામાં આવી હતી. આરોગ્યના કર્મચારીઓને કરવાની કામગીરી ઉપરાંત ટીબી મુક્ત ગુજરાત અને મેલેરિયા મુક્ત ભારત સહિતની કામગીરી પણ કરવાની થાય છે. ત્યારે ગુજરાતમાં જ સમકક્ષ લાયકાત ધરાવનાર વર્ગ ત્રણના કર્મચારીઓના પગારમાં જે તફાવત છે તેની વિસંગતતા દૂર કરવા માટેની રજુઆત વિવિધલક્ષી આરોગ્ય કાર્યકર (પુ.) મંડળના પ્રમુખ સાવનદાન ગઢવી, મંત્રી દેવકરણ ગાગલ સહિતના હોદ્દેદારો દ્વારા
કરાઈ હતી.