લાકડિયા પાસેથી ર.૯૧ લાખનો શરાબ પકડી પાડતી એલસીબી

ટ્રકમાં માટી નીચે છૂપાવી શરાબ લવાતો હતો : સામખિયાળી – લાકડિયા હાઈવે પર આવેલી આઈમાતા શિવકૃપા હોટલ બહારની ઘટના : હોટલ સંચાલક સહિત બે શખ્સોની ધરપકડ : હોટલ સંચાલકે મંગાવેલો શરાબનો જથ્થો ટ્રકમાંથી ડસ્ટર કારમાં કટીંગ કરતા હતા ત્યારે જ એલસીબી ત્રાટકી : ટ્રક કાર સહિત ૧૭.૯૧ લાખનો મુદ્દામાલ કબ્જે : ટ્રક ચાલક ફરાર

 

ગાંધીધામ : ભચાઉ તાલુકાના સામખિયાળી – લાકડિયા હાઈવે પર આવેલી હોટલ પાસે એલસીબીએ છાપો મારી હોટલ સંચાલક સહિત બે શખ્સોને ર,૯૧,૬૦૦/-ના શરાબ સહિત ૧૭,૯૧,૬૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા જ્યારે રેઈડ દરમ્યાન ટ્રકનો ચાલક ટ્રક મુકી ફરાર થઈ ગયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ સરહદી બોર્ડર રેન્જના આઈજીપી ડી. બી. વાઘેલાના માર્ગદર્શન તેમજ પૂર્વ કચ્છ એસ.પી. પરિક્ષીતા રાઠોડની સુચનાથી જિલ્લામાં દારૂ જુગાર જેવી બદીઓ નેસ્ત નાબૂદ કરવા માટે પૂર્વ કચ્છ એલસીબી પી.આઈ. જે. પી. જાડેજા તથા પીએસઆઈ એમ.કે. ખાંટ સ્ટાફ સાથે ભચાઉ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકિકત મળેલ કે, સામખિયાળી – લાકડિયા હાઈવે પર આવેલ હોટલનો સંચાલક દારૂનો જથ્થો મંગાવી ટ્રકમાંથી ડસ્ટર કારમાં કટીંગ કરતો હોવાની સચોટ બાતમી આધારે વહેલી પરોઢે હોટલ આઈમાતા શિવકૃપામાં છાપો માર્યો હતો. હોટલ સંચાલક ગીગારામ ઉર્ફે નેનારામ મિશ્રાજી સિસોદીયા (ઉ.વ.૩પ) (રહે. મુળ રાજસ્થાન હાલે હિંમતપુરા, ભચાઉ) જ્યારે ભાવેશ
જોરારામ પઢિયાર (ઉ.વ.૧૯) (રહે. હાલે આઈમાતા હોટલ સામખિયાળી- લાકડિયા હાઈવે)ને પકડી પાડયા હતા. આ હોટલ સંચાલક ગીગારામ સિસોદિયાએ ગામ ખિમણાપાદર તા. વાવ, જિ.બનાસકાંઠાના ટ્રક ચાલક પ્રવિણભાઈ ગોહિલ મારફતે દારૂનો જથ્થો મંગાવી પોતાની ડસ્ટર કારમાં ટ્રકમાંથી કારમાં કટીંગ કરતા હતા તેવામાં છાપો મારીને ટ્રક તથા કારમાંથી જુદા જુદા બ્રાન્ડની ઈંગ્લિશ દારૂની બોટલો નંગ પ૪૦ તથા બીયર ટીન નંગ ૮૧૬ એમ કુલ્લ ર,૯૧,૬૦૦/- નો શરાબ તથા ટ્રક અને કાર સહિત ૧૭,૯૧,૬૦૦/-ના મુદ્દામાલ સાથે હોટલ સંચાલક સહિત બેને દબોચી લીધા હતા જ્યારે રેઈડ દરમ્યાન ટ્રક ચાલક નાસી જતા ત્રણેય સામે એલસીબી પીએસઆઈ એમ. કે. ખાંટે લાકડિયા પોલીસ મથકે ફોજદારી નોંધાવતા હેડ કોન્સ્ટેબલ મનીષકુમાર કુબાવતે તપાસ હાથ ધરેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આઈમાતા શિવકૃપા હોટલનો સંચાલક અગાઉ પણ ઈંગ્લિશ દારૂના જથ્થા સાથે પકડાઈ ચુકયો હતો ત્યારે પોલીસ દ્વારા તટસ્થ તપાસ કરાય તો હોટલમાં ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ થઈ શકે તેમ છે.