લઠેડીમાં સરકારી ગૌચર જમીન પર કરાયું અતિક્રમણ

લઠેડી વિષ્ણુ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મામલતદારને કરાઈ રજૂઆત : મુંબઈની સંસ્થાએ રૂબરૂ મુલાકાત લીધા બાદ દબાણ માલુમ પડતા સરકારી તંત્રોમાં નખાઈ ધા

ભુજ : અબડાસા તાલુકાના લઠેડી ગામમાં સરકારી માલિકીની જમીનો પર દબાણ થતાં મામલતદારને રજૂઆત કરવામાં આવી છે. દબાણનો મુદ્દો સામે આવ્યા બાદ મુંબઈની સંસ્થા દ્વારા ગામની રૂબરૂ મુલાકાત લેવાઈ હતી, જેમાં દબાણ જણાઈ આવતા મામલતદારને રજૂઆત કરાઈ છે.લઠેડી ગામમાં ખરવાડ તરીકે ઓળખાતી સરકારી જમીન પર મોટા પાયે દબાણ થયું છે. ઉપરાંત મોટા માથાઓએ અડીંગો જમાવી ગેબનશા પીરની દરગાહ પાસે મકાન પણ બનાવી દીધું છે. લઠેડી વિષ્ણુ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ જોષી દ્વારા આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. તેઓએ જાત મુલાકાત લીધા બાદ દબાણ બાબતે મામલતદારનું પણ ધ્યાન દોરાયું છે. કચ્છ લડાયક મંચ, ગુજરાત લડાયક મંચ, રાષ્ટ્રરક્ષક જનમંચ સહિતનાઓ દ્વારા પણ દબાણ દૂર કરવા તંત્રનું ધ્યાન દોરાયું છે. વિષ્ણુ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટની લડતને ગામના ક્ષત્રિય સમાજ, જૈન સમાજ, ભાનુશાલી સમાજ, મુસ્લિમ સમાજ, મહેશ્વરી સમાજ, કોલી સમાજ સહિતનાઓઅ ે પણ ટેકો આપી દબાણ દૂર કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી છે.
લઠેડી ગામની સીમમાં આવેલ ગૌચર જમીન, સરકારી પડતર જમીન તેમજ ગામના તળાવ પાસે આવેલી જમીનમાં દબાણ થયું છે. ગામના દરેક સમાજે લઠેડી વિષ્ણુ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટને રજૂઆત કરતા કચ્છ લડાયક મંચના પ્રમુખ આર.કે. ભાનુશાલી, ઉપપ્રમુખ હરેશ ગાંધી, મહામંત્રી રામજીભાઈ ભાનુશાલી, મંત્રી ઉમરશીભાઈ ભાનુશાલી સહિતનાઓ દ્વારા ગામની મુલાકાત લઈ જાત પાસ કરતા દબાણ જણાઈ આવ્યું હતું. આ દબાણ દૂર કરવામાં તેમજ ખરવાડ પર ફરી દબાણ ન થાય તે માટેની રજૂઆત મામલતદારને કરાઈ છે. અગાઉ ફરિયાદ થતા જે-તે વખતના મામલતદાર નરેન્દ્રભાઈ ધાંધલે ખરવાડ દબાણ મુક્ત બનાવ્યો હતો. જોકે, ફરી આજે દબાણ થઈ ગયું છે, જેથી તાત્કાલિક દબાણ દૂર કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ હોવાનુું રમેશ જોષીએ જણાવ્યું હતું.