લગ્નની લાલચે ભુજના વૃદ્ધને ઉતારાયા શીશામાં

ભુજના એક વચેટીયા સહિતના આરોપીઓએ બે લાખની રોકડ અને દાગીના પડાવ્યા : સુરત, અંકલેશ્વર અને ભરૂચની ટોળકી સહિત નવ આરોપીઓ સામે નોંધાયો ગુનો

ભુજ : શહેરના ડીપી ચોક કેમ્પ વિસ્તારમાં રહેતા ૬૪ વર્ષિય વૃદ્ધને ભુજના વચેટીયા સહિત સુરત, અંકલેશ્વર, ભરૂચની ટોળકીએ લગ્નની લાલચ આપી શીશામાં ઉતારી બે લાખથી વધુની છેતરપિંડી કરી હતી. બનાવને પગલે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકે નવ આરોપીઓ વિરૂદ્ધ વિધિવત ગુનો નોંધાવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ભુજના કેમ્પ વિસ્તારમાં રહેતા રામજીભાઈ રવજીભાઈ શિયાણી (ઉ.વ.૬૪)એ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકે વિશ્વાસઘાત – ઠગાઈનો ગુનો નોંધાવ્યો હતો. આ વૃદ્ધને લગ્નની લાલચ આપીને તેની પાસેથી રૂપિયા બે લાખની રોકડ અને ૮પર૦ના સોના -ચાંદીના દાગીના પડાવી લેવાયા હતા. ભોગગ્રસ્ત વૃદ્ધે સુરતના કોસાંબામાં રહેતી માયાબેન યશવંત વાનખેડે, અંકલેશ્વરમાં રહેતા વિનોદ કટારીયા, ભરૂચમાં રહેતા આર. એલ. રાજભર, રમેશ મરાઠા, તો માયાબેન વાનખેડેની માતા, બહેન અને કાકા ઉપરાંત ભુજના રઘુવંશીનગરમાં રહેતા રાજુભાઈ, બેલાબેન વસાવા વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે વૃદ્ધના લગ્ન માયાબેન યશવંત વાનખેડે સાથે કરાવી આપવાનું આરોપીઓએ જણાવ્યું હતું. ફરિયાદીને લગ્નની લાલચ આપી વિશ્વાસમાં લઈને આરોપીઓએ તેમની પાસેથી રોકડા રૂા. બે લાખ પડાવી લીધા હતા. તેમજ ૮પર૦ના દાગીના પણ સેરવી લીધા હતા. બનાવને પગલે ભોગગ્રસ્ત વૃદ્ધે અલગ અલગ પોલીસ મથકોમાં અરજી આપી હતી. જેને આધારે ભુજ બી ડિવિઝન પોલીસે વિધિવત ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.