લખપત પટ્ટામાં વીજકંપનીનો વકરતો આતંક : તંત્ર કોમામાં કે ઘુંટણીયે ? ગ્રામજનો લાલઘૂમ.!

  • આધોઈથી લખપત સુધી વીજકંપનીનો વધતો ત્રાસ..! આમપ્રજા ત્રાહિમામ..ત્રાહીમામ..!

કોટડા વિસ્તારમાં વીજકંપનીની લુખ્ખી દાદાગીરી સામે અગાઉ હાઈવે-રોડ-રસ્તા આંદોલનોની ઘટનાને પણ અપાઈ ચૂકયા છે અંજામ

લખપત વિસ્તારમાં વીજકંપની દ્વારા નખાતા ટાવરોથી લઈ અને અલગ અલગ રીતે આચરાતી દાદાગીરી, નિયમોને કફન ઓઢાડી જમીનો પર આડેધડ અતિક્રમના લીધે ઠેર ઠેર ભભુકતો જનાક્રોશ : હવે કોટઢા મઢના ગ્રામજનોએ વીજકંપનીના અધમની સામે બાંયો ચડાવી : ગામના કબ્રસ્તાન સહિતની જમીનો પર કેાઈ પણ જાતની પરવાનગી વિના વીજટાવર ખડકી દેવાતા લોકોમાં ઉકળતો ચરૂ : તંત્રને આવેદન પાઠવી ઘટતુ કરવાની ઉચ્ચારી ચીમકી : જો ઘટતું નહી કરાય તો આક્રમક લડાઈ લેડવાનો વ્યકત કરાયો તીખો સુર

ખાટલે મોટી ખોટ : વીજકંપનીઓ ખુલ્લીને ઠેર ઠેર આડેધડ જમીનો પર અતિક્રમણ કરી રહી છે, મંજુરીઓની થાય છે ઐસીતેસી, છતાં ધારાસભ્ય સહિતના સ્થાનિક અગ્રણીઓ આવા કિસ્સાઓમાં કેમ લોકોની વહારે નથી આવતા? સળગતો સવાલ…! : હકીકતમાં મંજુરી વિના ટાવરો ખડકાયા હોય અથવા તો કામ ચાલુ હોય તો તેને ત્વિરત ધોરણે તંત્રએ અટકાવવુ જોઈએ..!

જંત્રીના ભાવો પ્રમાણે રકમ સરકારમાં ન ભરેતો જવાબદારો સામે પણ પગલા ભરવા જોઈએ : સરકારી અધિકારી પર પગલા ન લેવાય તો હાઈકોર્ટમાં જઈને આ ભ્રષ્ટાચાર ખૂલ્લો પાડવો જોઈએ

ગાંધીધામ :કચ્છમાં વિકાસની હરણફાળ ભુકંપ બાદ શરૂ થઈ છે તેમા કેાઈ શંકાને સ્થાન નથી પણ આ વીકાસ સ્થાનિક ગ્રામીણ કચ્છીજનો માટે આર્શીવાદરૂપ ઓછો અને અભિશાપરૂપ વધુ બનતો હોય તેવી ઘટનાઓ એક સમે ન સમે ત્યા
બીજી ઉજાગર થવા પામી જાય છે. હાલમાં પણ ખેડુતોને વીજટાવરોના લીધે પારાવાર મુશ્કેલી, સમસ્યાનો ભોગ બનવાનો વારો આવી રહ્યો છે. હજુ તો આધોઈમાં ખેડુતોને વિજટાવરના લીધે લડત-આંદોલનની વાતો સમસ્યાઓ ઉકેલાઈ નથી કે હવે લખપતના દયાપર વિસ્તારમાં કોટડા મઢ પાસે આવા જ વીજટાવરો આડેધડ નાખી દેવામા આવતા લોકોમાં ભારોભાર રોષ ભભુકી ઉઠયો હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આ બાબતે સહેજ વિગતે વાત કરીએ તો લખપત વિસ્તારમાં વીજકંપની દ્વારા નખાતા ટાવરોથી લઈ અને અલગ અલગ રીતે આચરાતી દાદાગીરી, નિયમોને કફન ઓઢાડી જમીનો પર આડેધડ અતિક્રમના લીધે ઠેર ઠેર લોકેામા આક્રોશ ઉઠી રહ્યો છે.દરમ્યાન જ હવે કોટઢા મઢના ગ્રામજનોએ વીજકંપનીના અધમની સામે બાંયો ચડાવી હોવાનુ આવેદન રજુ થતા સામે આવવા પામી રહ્યુ છે. વીજટાવરો નાખનારાઓની દાદાગીરી અને હિમંત તો જુઓ કે, તેઓએ અહી ગામના કબ્રસ્તાન સહિતની જમીનો પર કેાઈ પણ જાતની પરવાનગી વિના વીજટાવર ખડકી દીધા છે. આમ થવાથી લોકોની ધાર્મિક લાગણીને પણ ઠેસ પહોચે તે સ્વભાવિક બની રહ્યુ છે.અહી યાદ અપાવી શકાય કે, નખત્રાણાના કોટડા વિસ્તારમાં વીજકંપનીની લુખ્ખી દાદાગીરી સામે અગાઉ હાઈવે-રોડ-રસ્તા આંદોલનોની ઘટનાને પણ અંજામ અપાઈ ચુકયો છે. વીજકંપનીઓ ખુલ્લીને ઠેર ઠેર આડેધડ જમીનો પર અતિક્રમણ કરી રહી છે, મંજુરીઓની થાય છે ઐસીતેસી, છતાં ધારાસભ્ય સહિતના સ્થાનિક અગ્રણીઓ આવા કિસ્સાઓમાં કેમ લોકોની વહારે નથી આવતા?આવા સવાલો પણ આ તબક્કે થવા પામી રહ્યા છે. હકીકતમાં આ અંગે નખત્રાણા પ્રાંત અધિકારી, મામતલદારશ્રી, રજીસ્ટ્રાર સહિતનાઓ સંયુક્ત રીતે તપાસ કરે તો વિજ કંપની દ્વારા નખાતા વિજ ટાવરના અનેક પ્રકારના ચલક ચલાણા ખુલ્લા પડી શકે તેમ છે. લોકોમાં પ્રવૃતિ રહેલ રોશ વધારે ફાટે અને સ્થિતી વકરે તે પહેલા તંત્ર આડેધડ વીજ ટાવરો નાખતી કંપનીઓની શાન ઠેકાણે લાવે તેજ સમયની માંગ બની રહી છે.

  • પ્રાંત-મામલતદાર-રજીસ્ટ્રારશ્રી કરે કડક તપાસ

વીજકંપનીએ ટાવર પેટે કેટલી જંત્રીની રકમ કરાવી જમા ? મોટુ ભોપાળુ ખુલે

જો આ બાબતે કડક અને તટસ્થ તપાસ થશે તો, કચ્છ આખાયમાં વીજકંપનીના ટાવરો-પવનચક્કી સહિતના જેટલા પણ થાંભલાઓ લગાડેલા છે તે બધાયમાં જંત્રી ચોરીના મસમોટા કૌભાંડનો પર્દાફાશ થવા પામે

ગાંધીધામ : લખપતના દયાપર પટ્ટામાં વીજકંપનીએ ટાવરો નાખી આડેધડ જમીનો પર અતિક્રમણ કરી લીધા છે. હકીકતમાં નીતીનિયમો અનુસાર પંચાયતથી લઈ અને અલગ અલગ મોરચે જમીન હસ્તાતંરણ કરી અને ટાવરો નાખવાના હોય છે. આ ટાવરોની પરવાનગી મળેથી સરકારી નિયમો અનુસારની જંત્રીની રકમ પણ ભરપાઈ કરવાની હોય છે. પરંતુ કચ્છ આખાયમાં વીજટાવરોમાં જંત્રી ભર્યા વિના આડેધડ જ ખકડી દેવામા આવ્યા છે. આ બાબતે જયારે હવે લોકોએ ફરીયાદ કરી છે, આવેદનો અપાયા છે તો પ્રાંત અધિકારી, મામલતદારશ્રી, રજીસ્ટ્રાર આ બાબતે કડક તપાસ કરે અને વીજટાવરો કેટલા ખડકાયા છે, કેટલા પેટે મંજુરી મળેલી છે, કેટલાની જંત્રી ભરપાઈ કરવામા આવી છે, તે સહિતની જો ક્રોસ વેરીફીકેશન કરવામા આવશે તો આખાય કચ્છમાં વીજ સહિતના જ ેજે થાંભલાઓ, ટાવરો લાગેલા છે તેનુ જંત્રીચોરીનુ પણ મસમોટુ કૌભાંડ બહાર આવવા પામી શકે તેમ જાણકારો માન રહ્યા છે.

કોટડા (મઢ)માં કબ્રસ્તાન અને ગૌચર જમીનમાં ગેરકાયદેસર રીતે ખોડાયા વીજ ટાવર

 

જૂથ ગ્રામ પંચાયત દ્વારા તંત્ર અને પોલીસને રજૂઆત કર્યા છતાં કોઈ કાર્યવાહી નહીં : કંપની દ્વારા દાદાગીરી કરીને વીજટાવર નાખવામાં આવતા લોકોમાં ફેલાયો ભય : જો સત્વરે પગલાં નહી લેવાય તો ધરણા કરવાની અપાઈ ચીમકી

દયાપર : લખપત તાલુકાના કોટડા મઢ ગામે વિવિધ વીજ કંપનીઓ દ્વારા પોતાની મનમાની ચલાવીને કોટડા મઢ ગામના કબ્રસ્તાન તેમજ ગૌચર જમીનમાં વીજ પોલ ઉભા કરવામાં આવી રહ્યા છે. આ અંગે સ્થાનિક જૂથ ગ્રામ પંચાયત દ્વારા તાલુકા વિકાસ અધિકારી તેમજ દયાપર પોલીસ મથકે રજૂઆત કરાઈ હોવા છતા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. જો આગામી ટૂંક સમયમાં નક્કર પગલાં નહી લેવાય તો ગામના સરપંચ અને તાલુકા પંચાયતના સદસ્ય સહિતના આગેવાનોએ ધરણા સહિતના આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. કોટડા મઢ જૂથ ગ્રામ પંચાયતના સેજામાં કોટડા મઢ ઉપરાંત કંઢોરા, મુરચબાણ, કલરાવાંઢ, સુખપરવાંઢ સહિતનો સમાવેશ થાય છે. આ પંથકમાં વીશ વિન્ડ તેમજ હાઈટેક કંપની દ્વારા વીજ ટાવર ખોડવામાં આવી રહ્યા છે. જેમાં કોટડા મઢ ગામે સર્વે નંબર ૨૭૮ અને જૂના સર્વે નંબર ૧૦માં આવેલા મુસ્લિમ સમાજના કબ્રસ્તાનમાં આ કંપનીઓ દ્વારા થાંભલા ઉભા કરવા માટે ખાડા ખોદી પાયો ભરીને આગળની કામગીરી હાથ ધરાઈ છે. તો ગામની ગૌચર જમીન સર્વે નંબર ૩૮૬માં હેવી વીજ લાઈનનો થાંભલો ઉભો કરવામાં આવી રહ્યો છે. જેના કારણે ગૌચર જમીન અને કબ્રસ્તાનની સોથ વાળી દેવામાં આવી છે. કંપનીને આ અંગે રજૂઆત કરવામાં આવતા દાદાગીરી કરવામાં આવી રહી છે. ગેરકાયદેસર રીતે ગૌચર અને કબ્રસ્તાનની જમીનમાં ખાડા ખોદી ધાર્મિક લાગણી પણ દુભાઈ છે. આ અંગે પોલીસ અને વહિવટીતંત્રને રજૂઆત કર્યા છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. માટે તંત્ર જો આ કામગીરી નહી અટકાવે તો કોટડા મઢ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ આદમભાઈ રાયમા તેમજ તાલુકા પંચાયતના સદ્દસ્ય ઈબ્રાહીમભાઈ કુભાર દ્વારા ધરણા સહિતના ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તેમ છતાં જો ન્યાય નહી મળે તો કોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે તેવું સરપંચ સહિતના આગેવાનોએ જણાવ્યું હતું.