લખપતમાં વન વિભાગના રોજમદારોને બેંકના બદલે રોકડમાં પગાર ચૂકવી કરાતી કટકી

ભુજ : સરહદી લખપત તાલુકામાં વન વિભાગ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાથી ફરિયાદો ઉઠવા પામી છે. તાલુકામાં આવેલી ફોરેસ્ટ વિભાગની રખાલોમાં કામ કરતા રોજમદારોને અગાઉ બેંક દ્વારા પગાર ચૂકવાતો હતો. જોકે, હવે રોકડમાં પગાર ચૂકવી કટકી કરાતી હોવાનો આરોપ લગાવાયો છે. ખોટા માણસોના વાઉચર બનાવી સરકારની ગ્રાન્ટ બારોબાર વપરાતી હોવાના આક્ષેપો પણ ઉઠવા પામ્યા છે.આ સંદર્ભે વન વિભાગના જવાબદારોને રજૂઆત પણ કરવામાં આવી છે અને તપાસની માંગ કરાઈ છે. બીજી તરફ દયાપર ઉત્તર રેન્જ હેઠળ આવતા કૈયારી રખાલ, મુંધવાય રખાલ સહિતના વિસ્તારમાં વૃક્ષ વાવેતરના નામે માત્ર ખાડા ખોદી ચોપડે વૃક્ષ બતાવી લાખો રૂપિયાની સરકારની ગ્રાન્ટનો ગેરઉપયોગ થતો હોવાનો આરોપ મૂકાયો છે. જો માત્ર ચોપડે જ ઘાસચારાનું વાવેતર બતાવશો તો આ વિસ્તારનું પશુધન ક્યાં જશે તેવો સવાલ ઉઠવા પામ્યો છે.સરહદી વિસ્તારોમાં વન વિભાગ દ્વારા ચાલતી લોલમલોલ અંગે જિલ્લા કક્ષાના જવાબદારો પગલાં ભરે તે જરૂરી છે, પરંતુ તમામ સ્થળોએ ભ્રષ્ટાચારને મહત્ત્વ હોવાથી આવી ફરિયાદો પર લાંબા સમય સુધી કોઈ કાર્યવાહી થતી નથી.