લખપતમાં નજીવી બાબતે ઝિંકાયેલા જીવલેણ ઘા માં આધેડનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો

ઘડુલીથી લખપત જતા રોડ પર કંપની યાર્ડમાં ટ્રેક્ટરમાં બેસવા મુદ્દે માથામાં લોખંડની ટામી વડે કરાયો હતો હુમલો : હત્યાનો આરોપી પોલીસ સકંજામાં

ભુજ : સરહદી લખપત તાલુકામાં નજીવી બાબતે ઝિંકાયેલા જીવલેણ ઘા માં આધેડનું મોત થતા મામલો હત્યામાં પરિવર્તીત થયો છે. જે અંગે આરોપી સામે દયાપરમાં ગુનો નોંધાયો છે. હતભાગી અને આરોપી પશ્ચિમ બંગાળના જ રહેવાસી હોવાનું સામે આવ્યું છે.દયાપર પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો મુજબ ઘડુલી લખપત જતા રોડ પર સમરથ કંપની યાર્ડની અંદર મંગળવારે રાત્રે આ બનાવ બન્યો હતો. જે મુજબ પશ્ચિમ બંગાળના રહેવાસી અને હાલે સમરથ કંપનીમાં કામ કરતા આરોપી માનબ બિંદુર મંડલે ફરિયાદી જુગલ ગોવિંદ મંડલના ફુવા કુંદન અલનંદુ મંડલ સાથે ટ્રેક્ટરમાં બેસવા મુદ્દે બોલાચાલી કરી બિભત્સ ગાળો આપી એકદમ ઉસ્કેરાઈને ટ્રેક્ટરમાં પડેલી લોખંડનની ટામી લઈ માથાના ભાગે જોરથી મારતા ગંભીર ઈજાઓ થઈ હતી. જેથી તેને સારવાર માટે પ્રથમ દયાપર અને બાદમાં જી.કે. જનરલમાં સારવાર માટે લઈ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન કુંદન મંડલનું મોત નિપજતા મારામારીનો મામલો હત્યામાં પલટાયો હતો. જે અંગે પોલીસે આરોપી સામે હત્યાની કલમો તળે ગુનો નોંધ્યો છે. તેમજ આરોપી હાથવેતમાં હોવાનું જાણવા મળ્યું છે.