લખપતમાં તસ્કરોનો તરખાટ : મંદિર સહિત પાંચ સ્થળોએ હાથ માર્યો

મંદિર તથા ત્રણ મકાનોમાં ચોરી થઈ છતાં પણ પોલીસ ચોપડો કોરો

ભચાઉ : તાલુકાના લખપત ગામને તસ્કરોએ બાનમાં લીધું હતું. બે મંદિર તથા ત્રણ મકાનને નિશાન બનાવી દાન પેટીમાંથી રોકડ તફડાવી જતા ગ્રામજનોમાં ફફડાટ મચી જવા પામી હતી.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ લખપત ગામે આવેલા રામ મંદિર તથા ત્રણ મકાનો અને દુકાનોને નિશાન બનાવી તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. રામ મંદિરની દાનપેટીમાંથી તસ્કરો ૩થી પ હજારની રોકડ ચોરી ગયા હતા. તો નાનજી રણછોડ રાવરિયા, પુજીબેન મેઘજી વાવિયાના બંધ મકાનોના તાળા તોડી ઘરમાં પ્રવેશ કરી સરસામાન વેર વિખેર કરી નાખ્યો હતો. જયારે દયારામ મારાજની દુકાનને તોડવાનો પ્રયાસ કર્યો હતો.
ચોરીના બનાવથી ગ્રામજનોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. આ બાબતે સામખિયાળી પોલીસનો સંપર્ક સાધતા બનાવને સમર્થન આપ્યું હતું પરંતુ આ લખાય છે ત્યાં સુધી સત્તાવાર ફરિયાદ નોંધાઈ ન હોવાનું જણાવ્યું હતું.