લખપતમાં આઈનોક્ષ કંપની દ્વારા ખેતરનો ગેરકાયદે કબ્જાે મેળવાતા તા.પં. પ્રમુખે તંત્રનું દોર્યું ધ્યાન

ફરિયાદો પર તંત્ર પગલાં નહીં લે તો ત્રસ્ત પ્રજા ન્યાય મેળવવા આંદોલન કરશે

દયાપર : લખપત તાલુકામાં આઈનોક્ષ કંપની દ્વારા ખેતરનો ગેરકાયદે કબજાે મેળવાતા તાલુકા પંચાયત પ્રમુખ જેનાબેને વહિવટી તંત્રમાં રજૂઆત કરી છે. જાે તંત્ર ફરિયાદ પર પગલાં નહીં લે તો ત્રસ્ત પ્રજા ન્યાય મેળવવા આંદોલન કરશે.
તાલુકાના હરોડોના ખેડૂત ખીમજીભાઈ મુરાભાઈ ખંભુની માલિકીની જમીનમાં આઇનોક્ષ નામે ખાનગી કંપની દ્વારા ગેરકાયદેસર રીતે ખેડૂતની કોઈ પણ પ્રકારની મંજુરી કે સહમતી વગર પવનચક્કી ઉભી કરાઈ છે. ડીઆઈએલઆર દ્વારા કરવામાં આવેલી માપણી મુજબ પણ પવનચક્કી સદર ખેતરમાં આવેલ હોવાનું સ્પષ્ટ થયેલ છે તથા અરજદાર દ્વારા છેલ્લા બે વર્ષથી સ્થાનિક મામલતદાર અને પોલીસ તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ઉપરાંત અરજદારની ફરિયાદ મુજબ ખાનગી કમ્પનીના માણસો દ્વારા અરજદારને ધાક-ધમકી કરવામાં આવી છે જે અત્યંત ખેદજનક બાબત છે. સરહદી લખપત તાલુકામાં ખાનગી ઉદ્યોગો દ્વારા સ્થાનિક પ્રજાની માલિકીની જમીનો પચાવી પાડવા તેમજ દલિત ખેડૂતને ધાક-ધમકી કરવાની આ ઘટના પ્રત્યે પોલીસ તંત્રની ઢીલી નીતિ એ લખપત તાલુકાની પ્રજા માટે વિકટ પ્રશ્ન છે ત્યારે કંપનીએ દલિત ખેડૂત ખીમજીભાઈના ખેતરમાં ગેરકાયદેસર રીતે થયેલ કબજાે દુર કરવામાં આવે. ખેડૂતને થયેલ નુકસાનનો યોગ્ય વળતર ચુકવવામાં આવે તેમજ ઈરાદાપૂર્વક ખેડૂતની જમીનમાં બિનઅધિકૃત પ્રવેશ કરનાર ખાનગી કંપનીના જવાબદાર લોકો સામે ફોજદારી રાહે ગુન્હો દાખલ કરી તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત લખપત તા.પં. પ્રમુખ જેનાબેન હસન પડેયારે કલેકટરને કરી છે.