લખપતના હરોડામાં મારક હથિયારો વડે પરિવાર પર હુમલા

જૂની અદાવતે લોખંડના પાઈપ, કુહાડી, ધારીયા સાથે તુટી પડેલા ટોળાએ ઘટનાને આપ્યો અંજામ :બનાવમાં ઘવાયેલા ત્રણ જણને ભુજની જી.કે.માં સારવાર માટે ખસેડાયા

(ક્રાઈમ પ્રતિનિધિ)
દયાપર : લખપત તાલુકાના હરોડા ગામે ર૦ થી રપ લોકોના ટોળાએ પરિવાર પર તુટી પડીને મારામારી કરી હતી. જૂની અદાવતના મનદુઃખે લોખંડના પાઈપ, ધારીયા, કુહાડી, લાકડી – ધોકા વડે મારામારી કરતા ત્રણ જણને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ લખપતના હરોડા ગામે રહેતા ઈજાગ્રસ્ત શરીફ દીનમામદ મંધરાએ આપેલી વિગતો મુજબ તેમના પરિવાર પર અયુબ મઠાર મંધરા, સુલેમાન મુસા મંધરા, રફીક નુરમામદ મંધરા સહિતના વીસેક શખ્સોના ટોળાએ મારક હથિયારો વડે હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્તના જણાવ્યા પ્રમાણે અગાઉ પરિવારની એક યુવતીની આરોપી પક્ષેે છેડતી કરી હતી, જેતે વખતે થયેલી બબાલ બાદ નરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી. ત્યાર બાદ આરોપીઓએ બળજબરી પૂર્વક દબાણ કરીને ફરિયાદ પાછી ખેંચાવી લીધી હતી. આ મામલે આરોપીઓ દ્વારા સતત ટોર્ચર કરાતું હતું. દરમ્યાન ગત સાંજે આરોપીઓએ ઈજાગ્રસ્તોના ઘરે ધસી આવીને હુમલો કરતા ઈસ્માઈલ નુરમામદ મંધરા, શરીફ નુરમામદ મંધરા અને અભુભખર સીધીક મંધરાને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. બનાવ અંગે નરા પોલીસને જાણ કરાતા આગળની તપાસ હાથ ધરાઈ છે.