રપથી પ૦ ઓક્સિજન બેડ સાથેની હોસ્પિટલ શરૂ કરવામાં આવે તો તાલુકાના દર્દીઓને રાહત થાય

દયાપર : કોવિડ – ૧૯ મહામારી દિન-પ્રતિદિન વિકરાળરૂપ ધારણ કરી રહી છે, ત્યારે કોવિડ દર્દીઓને સારવાર મળે તેવા ઉદ્દેશ્યથી માતાનામઢ, દયાપર, વર્માનગર તથા નારાયણસરોવર મધ્યે ઓક્સિજન બેડ સાથેની કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવે તેવી રજૂઆત જિલ્લા કલેકટર, સાંસદ તથા ધારાસભ્યને કપુરાશીના સરપંચ પ્રેમદાન ગઢવી દ્વારા કરવામાં આવી છે. કોવિડ મહામારી બેકાબૂ બની રહી છે, ત્યારે કચ્છના સરહદી વિસ્તાર એવા લખપત તાલુકાના માતાનામઢ, દયાપર, વર્માનગર જીએમડીસી, જીઈબી તથા નારાયણસરોવર મધ્યે ઓક્સિજન બેડ સહિત રપથી પ૦ બેડવાળી કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવે તો આ વિસ્તારના લોકોને જીવન દાન મળે તેમ છે. ઉપરાંત આ હોસ્પિટલો શરૂ કરવામાં આવશે તો ઈમરજન્સીમાં ઉપયોગી બનશે. આ અંગે કપુરાશી ગ્રામ પંચાયતના સરપંચ પ્રેમદાન જી. ગઢવી દ્વારા કચ્છ કલેકટર, સાંસદ સભ્ય તથા અબડાસાના ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી છે.