લખપતના ટીડીઓ મયૂર ભાલોડિયાનું દુઃખદ નિધન

માત્ર ૩૧ વર્ષની વયે હાર્ટ એટેકથી અધિકારીનું અવસાન થતાં પંચાયતીરાજના અધિકારી – કર્મચારીઓમાં શોકનું મોજું

નખત્રાણા : લખપત તાલુકા વિકાસ અધિકારી મયૂર ભાલોડિયાનું ટુંકી બીમારી બાદ આજે સવારે નિધન થતા અધિકારી-કર્મચારીઓમાં શોકની લાગણી ફેલાઈ હતી. ૩૧ વર્ષની નાની વયમાં તેમનું હાર્ટ એટેકના હુમલાથી નિધન થતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.તેઓ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના નિકટના સંબંધી હતા. સાલસ-સરળ સ્વભાવના ભાલોડિયા અગાઉ જુનાગઢ ખાતે પીએસઆઈના પદે હતા. ત્યારબાદ તેવો નખત્રાણા તા.વિ.અ. અને હવે લખપત તા.વિ.અ. પદે ફરજ બજાવતા હતા. તેમના નિધનથી કર્મચારીગણમાં શોકની લાગણી છવાઈ છે.
ટીડીઓ મયુર ભાલોડિયાને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ઘટનાની જાણ અધિકારીઓને થતા જી.કે.માં ડીડીઓ ભવ્ય વર્મા, સીડીએચઓ ડૉ. માઢક, ભુજના ટીડીઓ શૈલેષ રાઠોડ, ભુજના મામલતદાર સી.આર. પ્રજાપતિ, વિવેક બારહટ સહિતના અધિકારીઓ તાબડતોબ જી.કે.માં દોડી ગયા હતા અને હતભાગી પરિવારના સ્વજનોને સાંત્વના આપી હતી.