લખપતના કોરા પાસે લકઝરી હડફેટે બાઈક ચાલકનું મોત

લખપત : તાલુકાના કોરા ગામ નજીક મીની લકઝરી અને બાઈક વચ્ચે અકસ્માત થતા બાઈક ચાલકનું મોત થયું હતું. જ્યારે અન્ય છ ઘવાયા હતા. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર એક્સિડેન્ટનો બનાવ ગઈકાલે સાંજે બનવા પામ્યો હતો. મીની લકઝરી બસ નંબર જીજે. ૧ર. બી. ૮૪રપના ચાલકે મોટર સાયકલ નંબર જીજે. ૧ર. બીકે. ૭પ૬રને ટક્કર મારતા બાઈક ચાલક મામદ હનીફ જત (ઉ.વ.રપ) (રહે. નાની વિરાણી તા.લખપત)ને ગંભીર ઈજાઓ થતા સારવાર મળે તે પહેલા મોત આંબી ગયું હતું. જ્યારે નારાયણ સરોવરથી દર્શન કરી પરત લકઝરી બસમાં આવતી નયનાબેન જગદીશ જોષી (ઉ.વ.૬૭), હેમલતાબેન રમેશ મહેતા, જયશ્રીબેન જયંતિલાલ જોષી, કનકબેન દયારામ જોષી, કમળાબેન ખરાશંકર જોષી (રહે. તમામ ભુજ) તથા માધાપરના ભૂપેન્દ્ર કે. શર્માને ઓછીવતી ઈજાઓ થતા સારવાર માટે દયાપર સરકારી દવાખાને દાખલ કર્યા હતા. અકસ્માતના પગલે નારાયણ સરોવરના તરૂણભાઈ જોષી, દિલીપ જણસારી, હિતેશ પટેલ વિગેરે દોડી ગયા હતા અને ઈજાગ્રસ્તોને ઉપયોગી થયા હતા. દયાપર પોલીસે લકઝરી ચાલક સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.