લકઝરી આઈટમ્સ મોંઘી થશે

નવી દિલ્હી : ટૂંક સમયમાં લકઝરી આઈટમ્સ મોંઘી થવાની છે. સરકારે જીએસટી હેઠળ આવતી લકઝરી આઈટમ્સ પર ૧ ટકા કૃષિ સેસ એટલે કે પકર લગાવવાને લીલી ઝંડી આપી દીધી છે. આ લકઝરી આઈટમ્સ પર અત્યારે ૨૮ ટકા જીએસટી લાગે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાણા મંત્રાલયે લકઝરી આઈટમ્સ પર ૧ ટકા કૃષિ સેસ લગાવવાને મંજુરીની મ્હોર લગાવી દીધી છે. હવે તેને ગ્રુપ ઓફ મીનીસ્ટર્સ થકી જીએસટી કાઉન્સીલને મોકલવામાં આવશે. હાલ જે લકઝરી આઈટમ્સ પર ૨૮ ટકા જીએસટી લાગે છે તેમા એસી, વોશિંગ મશીન, ફ્રીજ,
પેઈન્ટસ, સિમેન્ટ, કલર ટીવી, પરફયુમ, ટુવ્હીલર્સ, કાર, એર ક્રાફટ, પાન-મસાલા, સીગારેટ, તમાકુ વગેરે પ્રોડકટ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ખેડૂતો માટે ખરીફ પાકનો મીનીમમ સપોર્ટ પ્રાઈઝ વધાર્યા બાદ સરકારે આ નિર્ણય લીધો છે. ટેકાના ભાવ વધારવાથી સરકારી તિજોરી ઉપર લગભગ ૧૫૦૦૦ કરોડનો બોજો પડવાનો છે. જો સરકાર આ ખુદ બોજો ઉઠાવે તો તેનાથી નાણાકીય ખાધ વધી જશે. એવામાં સરકાર પાસે કોઈ વિકલ્પ નથી કે તે આ માટે આવકનો કોઈ અન્ય વિકલ્પ શોધે. આ જ કારણ છે કે હવે કૃષિ સેસ લગાવવાને મંજુરી આપવામાં આવી છે. નાણા મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે કૃષિ સેસ લગાવવાથી સામાન્ય ગ્રાહકો પર વધુ અસર નહી પડે. હાલ સરકાર અનેક પ્રકારની રાહત ગ્રાહકોને આપી શકે છે. જીએસટીના ૨૮ ટકાના સ્લેબમા આવતી કેટલીક આઈટમ્સને ૧૮ ટકાના સ્લેબમા નાખી શકાય તેમ છે પરંતુ આ ફેંસલો આવકનું ગણિત ધ્યાનમાં રાખીને લેવાશે. અર્થશાસ્ત્રી ડો. આચાર્યનું કહેવુ છે કે સરકાર એક હાથ લેવુ અને બીજા હાથે દેવુ…ની નીતિથી કામ કરે છે.