ર૦રર પૂર્વે કાશ્મીર સમસ્યાનું સમાધાન : કેન્દ્ર સરકાર

નવા ભારતનું નિર્માણ કરવામાં આવશે : ગૃહમંત્રી રાજનાથસિંહનું એલાન

નવી દિલ્હી : ગૃહમંત્રી રાજનાથસિંહે જણાવ્યુ છે કે, ર૦રર સુધીમાં કાશ્મીર સમસ્યા સહિત આતંકવાદ, નકસલવાદ અને પુર્વોતરમાં ફેલાયેલા ઉગ્રવાદનો ખાત્મો બોલાવી દેવાશે. તેમણે એક સમારોહમાં તમામ લોકોને ભારતને સ્વચ્છ, ગરીબી મુકત, ભ્રષ્ટાચારમુકત, આતંકવાદ મુકત, સાંપ્રદાયિકતા મુકત અને જાતિવાદ મુકત બનાવવાના શપથ લેવડાવ્યા હતા.લખનૌમાં ‘સંકલ્પથી સિદ્ધિ-ન્યુ ઇન્ડિયા મુવમેન્ટ (ર૦૧૭-ર૦રર) નવા ભારતનું નિર્માણ’માં ભાગ લેવા આવેલા રાજનાથે કહ્યુ હતુ કે, ભારતમાં અનેક સમસ્યાઓ છે.
જેમ કે આતંકવાદ, નકસલવાદ અને કાશ્મીર સમસ્યા. હું
વિશ્વાસપુર્વક જણાવુ છું કે ર૦રર સુધીમાં આ બધી સમસ્યાઓનું સમાધાન આવી જશે અને આપણે ‘ન્યુ ઇન્ડિયા’ના મંત્ર સાથે આગળ વધશુ. આ અંગે અમે દેશવાસીઓને વિશ્વાસ અપાવવા માંગીએ છીએ.તેમણે કહ્યુ હતુ કે, જો લોકો ૧૯૪રમાં ભારત છોડો આંદોલનના શપથ લઇને ૧૯૪૭માં આઝાદ થઇ શકતા હોય તો આઝાદી મળવાના ૭૦ વર્ષ બાદ પણ દેશ આત્મનિર્ભર કેમ નથી બની શકયો.
હું વડાપ્રધાન મોદીને અભિનંદન આપવા ઇચ્છુ છું કે જેમણે ર૦રરમાં આઝાદીના ૭પ વર્ષ પ્રસંગે ન્યુ ઇન્ડિયાને સાકાર કરવાનો વાયદો આપ્યો છે.રાજનાથે કહ્યુ હતુ કે, મહાત્મા ગાંધીએ સ્વચ્છતાના મહત્વને ઓળખ્યુ હતુ અને તેને એક અભિયાનનું સ્વરૂપ આપ્યુ હતુ. પરંતુ વડાપ્રધાન મોદીએ તેને એક જનઆંદોલન બનાવી દીધુ છે. ભાજપ ફકત સરકાર બનાવવાની રાજનીતિ નથી કરતુ પરંતુ રાષ્ટ્ર નિર્માણ અને વિકાસની રાજનીતિને લઇને ચાલે છે અને સત્તા સાથે વ્યવસ્થા પરિવર્તન કરવા તરફ અમે આગળ વધી રહ્યા છીએ.તેમણે કહ્યુ હતુ કે, અમે એવુ ભારત બનાવવા માંગીએ છીએ કે જયાં ન ગરીબી હોય કે ન ભ્રષ્ટાચાર, ન જાતિવાદ હોય કે ન કોમવાદ હોય કે ન બિમારીના અભાવમાં અંતિમ શ્વાસ લ્યે. ર૦રર સુધીમાં નવા ભારતનો સંકલ્પ લેવામાં આવ્યો છે તે પહેલા જ આતંકવાદ, કાશ્મીર અને નકસલવાદ જેવી સમસ્યાઓનું સમાધાન થઇ જશે.