ર૦મીએ રાષ્ટ્રવ્યાપી ટ્રાન્સપોર્ટ એસો. દ્વારા બંધનું એલાન કચ્છના ૪૦ હજારથી વધુ કોમર્શિયલ વાહનોના પૈડા થંભી જશે

ડિઝલનો ભાવ વધારો, ટોલ બેરીયર ફ્રી ભારત, વિમા નેશનલ પ્રમીટી સહિતની માંગોને પગલે હડતાલ : કચ્છમાં પોર્ટ ટ્રાન્સપોર્ટેશન, માઈનીંગ અને કંપનીઓના પરિવહનને પહોંચશે વ્યાપક અસર

 

કઈ માંગોને પગલે ટ્રાન્સપોર્ટરોના થશે ચક્કાજામ
ભુજ : છેલ્લા લાંબા સમયથી પેટ્રોલ- ડીઝલના થતા ભાવ વધારાની મુખ્ય સમસ્યાને પગલે ટ્રકોના પૈડા થંભી જવાના છે. ટ્રાન્સપોર્ટરોની મુખ્ય માંગણીઓમાં ડીઝલની કિંમતમાં ઘટાડો કરવામાં આવે તેમજ રાજ્યમાં સમાન કિંમત લાગુ કરાય, તો રોજેરોજ થતા ભાવ ફેરબદલને બંધ કરી ત્રિ- માસિક ધોરણે ભાવની સમીક્ષા કરવામાં આવે. ઉપરાંત ટોલ બેરીયર ફ્રી ભારત કરવા, બસો તેમજ ટૂરીસ્ટ વાહનો માટે નેશનલ પરમીટની માંગ કરાઈ છે, જયારે ટ્રાન્સપોર્ટના ભાડા પર ટીડીએસની નાબુદી, ઈન્કમટેક્સના અધિનિયમ દ્વારા ૪૪-એઈમાં અનુમાનીત આવકમાં તર્ક સંગત ઘટાડો કરવામાં આવે, ઈવે બિલમાં પડતી તકલીફોનું નિવારણ કરવામાં આવે તેમજ થર્ડ પાર્ટી પ્રીમીયમમાં ઘટાડો કરીને પારદર્શકતા લાવવામાં આવે અને ઈન્સ્યોરન્સ પોલીસી પરથી જીએસટી નાબુદ કરવા સહિતની વિવિધ માંગોને પગલે રાષ્ટ્ર વ્યાપી હડતાલનું બ્યુગલ ફૂંકાયું છે.

 

 

 

 

 

ભુજ : આગામી ર૦મી જુલાઈથી ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા દેશ વ્યાપી બંધનું એલાન કરવામાં આવ્યું છે, જેમાં અચોક્કસ મુદ્દત માટે દેશભરના ટ્રાન્સપોર્ટેશનના પૈડા થંભી જશે. બંધના એલાનમાં ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશને સમર્થન કર્યું છે. તો કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશન પણ રાષ્ટ્ર વ્યાપી હડતાલમાં જોડાશે.
સમગ્ર દેશમાં ર૦ જુલાઈથી ટ્રાન્સપોર્ટરો દ્વારા અચોક્કસ મુદ્દતના બંધનું એલાન અપાયું છે, ત્યારે આ એલાનને પગલે કચ્છના ટ્રાન્સપોર્ટરો પણ હડતાલમાં જોડાશે. કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસો.ના પ્રમુખ ડો. નવઘણ આહીરે કચ્છ ઉદય સાથેની વાતમાં જણાવ્યું હતું કે, ગત ૯મીએ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.ની કારોબારી બેઠક મળી હતી, જેમાં રાષ્ટ્ર વ્યાપી બંધના એલાનને ગુજરાત ભરમાંથી સમર્થન અપાયું છે. ત્યારે આગામી દિવસોમાં કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસો.ની કારોબારી બેઠક મળશે, જેમાં રાષ્ટ્ર વ્યાપી હડતાલમાં જોડાવાનો નિર્ણય લેવામાં આવશે. દેશ ભરના ટ્રાન્સપોર્ટ એસોસિએશને જયારે હડતાલ પાડી છે ત્યારે કચ્છના ૪૦ હજારથી વધુ કોમર્શિયલ વાહનોના પૈડા થંભી જશે. કચ્છ પણ આ હડતાલમાં જોડાશે તેથી પોર્ટ ટ્રાન્સપોર્ટેશન, માઈનીંગ અને કંપનીઓમાંથી માલનું થતું પરિવહન થંભી જશે. આ ઉપરાંત રોજિંદી ચીજવસ્તુઓની હેરફેર અટકી જતાં લોકોને મુશ્કેલી થવાની સંભાવના નકારી ન શકાય, ટ્રાન્સપોર્ટરોએ પોતાની વિવિધ પડતર માંગણીઓને પગલે રાષ્ટ્ર વ્યાપી બંધનું એલાન કર્યું છે.