રોહા સુમરીમાં ગાયોના નામે કિંમતી પથ્થરોની ચોરી

જેસીબી દ્વારા અસંખ્ય ઝાડોનું નિકંદન કરી રસ્તાઓ બનાવામાં આવી રહ્યા છે

નખત્રાણા : તાલુકાના રોહા સુમરી ગામે પવનચક્કીની લાઈનો બાદ હવે ગાયોના નામે હજારો કિંમતી પથ્થર, નદીમાંથી રેતી-માટી તેમજ સરકારની જમીન પર દબાણ સાથે માતબર રકમની રોયલ્ટી ચોરી કરવામાં આવી રહી છે. રોહા ગામતળ નજીક નદી કિનારે જમીન ખરીદીને ખીરસરાના જમીન માલીકે થોડા સમય અગાઉ ખનીજ ચોરીમાં પકડાયેલા અને વર્ષોથી આ કામ સાથે સંકળાયેલા ખનીજ માફિયા સાથે ભળીને રોહા કિલ્લાની આસપાસના વિસ્તાર તેમજ મોર માટે નામચીન સ્થળ મોરવીડી પાસેથી લાખોની કિંમતના કિંમતી પથ્થરની મોટાપાયે ચોરી કરેલ છે તેમજ પથ્થરો ઉપાડવા માટે જેસીબી મશીનો દ્વારા અસંખ્ય ઝાડોનો નાશ કરી રસ્તાઓ બનાવીને આ કૃત્ય કરેલ છે.ગામની નદી તેમજ આસપાસ વિસ્તારોમાંથી મોટાપાયે જમીનની દિવાલ બનાવા માટે રેતી ઉપાડીને મોટાપાયે રોયલ્ટી ચોરી કરેલ છે સાથે પોતાની હદથી વધારે સરકારની જમીન પર મોટાપાયે દબાણ કરેલું છે. સાથે કિંમતી માટી ઉપાડેલ છે જ્યારે આ જમીન માલિક પોતાની જમીનની હદ વધારી રહેલ હોવાની જાણ થતા ગ્રામજનોએ સ્થળ પર થઈને વિરોધ કરેલ પણ આ મહાશય દાદ આપેલ નહીં. હવે છેલ્લા એક માસથી વધારે સમયથી રોજના આઠ-દસ ટ્રેકટર દરરોજના કિંમતી પથ્થરો ઉપાડી દિવાલ બનાવી રહ્યા છે. જેના બદલે ગ્રામજનો અવાજ ન ઉઠાવે તે માટે દસ હજાર ગામની ગાયોના ચારા માટે આપીને મોટી ચોરીને અંજામ આપી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પવનચક્કીવાળી કંપનીઓ પાસેથી માતબર રકમ ગાયોના નામે લઈને લાઈનો નાખવાની મંજુરી આપેલ જેનો ભોગ મોર બની રહ્યા છે. તો આ ગામતળ નજીક હોઈ સતાવાળાઓનો ધ્યાન નહી હોય તે શક્ય નથી.