રોટેશન લોક કીયા જાયે… કચ્છમાં આગેવાનોના ધમપછાડા નહીં ફાવે

  • ગ્રામ પંચાયત ચૂંટણી સળવળાટ

સંભવતઃ ડિસેમ્બર માસમાં જિલ્લાની ૪૮૦ ગ્રામ પંચાયતોની યોજાશે ચૂંટણી : નવા રોટેશન મુજબ અનેક મુરતિયાઓ સરપંચ પદની ખુરશી પર બેસી શકે તેમ ન હોઈ બેઠકનો પ્રકાર બદલાવવા લગાવી રહ્યા છે એડીચોટીનું જોર : તંત્ર સમક્ષ અત્યાર સુધી ર૦ જેટલી વાંધા અરજીઓ આવી : માનવીય ભૂલ હોય તો સુધારાને અવકાશ, પરંતુ અન્ય વાંધાઓ ગ્રાહ્ય નહીં રહે : જાહેર થયેલ રોટેશન જ ગણાશે આખરી

(બ્યુરો દ્વારા)ભુજ : ચાલુ સાલના અંતે ડિસેમ્બર માસમાં કડકડતી ઠંડી વચ્ચે કચ્છની ૪૮૦ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની હોઈ ગ્રામ પંચાયત ચૂંટણીને અનુલક્ષીને સરપંચ પદના રોટેશન જાહેર કરાયા બાદથી જ કહીં ખુશી કહીં ગમનો માહોલ પણ સર્જાયો હતો. મનમરજી મુજબના રોટેશન જાહેર ન થતા અનેકોના સપના રોળાઈ ગયા હોઈ પોતે નહીં તો પોતાના મળતિયાઓ પણ ખુરશી પર ગોઠવાઈ જાય તે માટે રોટેશન બદલાવવા માટે ગ્રામ્ય કક્ષાના આગેવાનોએ ધમપછાડા શરૂ કરી દીધા હતા. જો કે, માનવીય ભૂલ સિવાયની રજૂઆતોને ગ્રાહ્ય રખાતી ન હોઈ જાહેર થયેલ રોટેશનને જ આખરી ગણવાનું હોઈ કચ્છમાં આગેવાનોના ધમપછાડા ફાવશે નહીં. આ અંગેની વિગતો મુજબ સુકા અને દુકાળીયા મુલક તરીકેની છાપ ધરાવતા સરહદી કચ્છ જિલ્લામાં એક સમયે સરપંચ પદને ખાસ મહત્વ આપવામાં આવતું ન હતું. જેના કારણે મોટા ભાગની પંચાયતો સમરસ અથવા તો બીનહરીફ થઈ જતી હતી. ભૂકંપ બાદ જિલ્લામાં વિકાસનો વાયરો ફુંકાવાની સાથોસાથ વરસાદની પેટર્ન પણ બદલતા સતત પડતો દુષ્કાળ ભૂતકાળ સમાન બની ગયો છે. સુમસામ ભાસતા ગ્રામ્ય વિસ્તારો પણ વિકાસની રેસમાં સહભાગી થયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ઔદ્યોગીક ધમધમાટ, પવનચક્કીઓ સ્થાપાવવી ઉપરાંત વીજ ટાવરો અને રેસાઓ પસાર થવાના લીધે સરપંચ પદનું મહત્વ પણ ખુબ જ વધી ગયું છે. બીજીતરફ સરકાર પણ ગ્રામ્ય પંથકને શહેરો સાથે જોડવા માળખાકીય સુવિધાઓનો વ્યાપ સતત વધારી રહી હોઈ ગ્રામ્ય વિસ્તારો પણ શહેરી વિસ્તારની હરોળમાં આવી ગયા છે. ગ્રામ પંચાયતો સમૃદ્ધ બનવાની સાથોસાથ સરપંચોનો મોભો પણ સતત વધતો જઈ રહ્યો છે. આગામી ડિસેમ્બર માસમાં જિલ્લાની ૪૮૦ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની હોઈ ચૂંટણી જંગમાં જંપલાવવા માટે અનેક મુરતિયાઓ તૈયારી કરીને બેઠા હતા. જો કે, રોટેશન જાહેર થયા બાદ મોટા ભાગની ગ્રામ પંચાયતોના સમીકરણો બદલી જતા અનેકોના સપના રોળાઈ ગયા છે. પોતે નહીં તો પોતાના મળતિયા સરપંચ પદની ખુરશી પર ગોઠવાય તે માટે ગ્રામ્ય કક્ષાના બળુકા આગેવાનોએ પોત પોતાના પક્ષના મોવડીઓને મળી રોટેશનમાં મનમરજી મુજબના ફેરફાર કરાવવા માટે ધમપછાડા શરૂ કરતા ચૂંટણી તંત્ર સમક્ષ અત્યાર સુધી ર૦ જેટલા વાંધાઓ પણ આવ્યા છે. જો કે, ચૂંટણી તંત્રના જવાબદારોનું માનીએ તો રોટેશનમાં માનવીય ભૂલ હોય તો સુધારો કરવામાં આવે છે, પરંતુ બેઠકનો પ્રકાર બદલાવવા સહિતના વાંધાઓ ગ્રાહ્ય રખાતા ન હોઈ જાહેર થયેલ રોટેશનને જ અંતિમ ગણવામાં આવતું હોય છે.આ બાબતે જિલ્લાના સરપંચ સંગઠન સાથે જોડાયેલા કેટલાક આગેવાનોએ જણાવ્યું કે, જિલ્લામાં રોટેશન સંદર્ભે તંત્ર સમક્ષ ૧૮ થી ર૦ જેટલા વાંધાઓ અત્યાર સુધી રજૂ થયા છે. કેટલાક ગામોમાંથી હજુય રજૂઆતો આવી રહી છે પરંતુ તે હજુ તંત્ર સુધી લેખિતમાં પહોંચી નથી. ચૂંટણીને આડે હજુ સમય હોઈ અમુક ગામોમાંથી હજુય વાંધાઓ નોંધાઈ શકે છે. જ્યારે કેટલાક લોકો થોભો અને રાહ જુઓની સ્થિતિ અપનાવી રહ્યા હોવાનું પણ ઉમેર્યું હતું.સરપંચ રોટેશનમાં કચ્છના મોટા ભાગના સરપંચો રાજકીય આગેવાનો સાથે સંકળાયેલા હોવાથી પોતાનો મનગમતો રોટેશન લાવવા દમ પછાડા કરી રહ્યા છે. જેવો એ રહે છે કે, ક્યાં રાજકારણી પોતાના ટેકેધારને ઉપયોગી નિવળે છે. જાણકારો એમ પણ કહે છે કે, મોટા ગજાના રાજકીય અગ્રણીઓ સરપંચની ચુંટણીમાં દુરી કરી લેતા હોય છે. પરંતુ હાલ તો રોટેશનનો મુદ્દો હોઈ આગળ જતા શું થાય છે તે જોવું રહ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે, ર૦રરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, તે પૂર્વે ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી હોઈ આ ચૂંટણીને વિધાનસભા માટેના ટ્રેલર સમાન ગણવામાં આવી રહી છે. ગ્રામ પંચાયતની ચૂંટણી પક્ષના બેનર વગર જ લડવામાં આવે છે પરંતુ પાછલા બારણેથી રાજકીય પક્ષોના ઈશારે સમગ્ર પ્રક્રિયા થતી હોય છે અને જે તે પક્ષો સાથે સંકળાયેલા આગેવાનો જ આ ચૂંટણી જંગમાં જંપલાવતા હોય છે, ત્યારે નવા રોટેશનો બાદ ગ્રામ્ય કક્ષાએ કઈ મોટી ઉથલ પાથલ થશે તે તો આગામી સમયમાં જ સામે આવશે.