રેમડેસિવીરની અછત ટાળવા તેનો યોગ્ય ઉપયોગ કરો : પ્રવિણા ડી.કે.

ભુજ આઈએમએ અને કલેક્ટરની યોજાયેલી મિટીંગમાં આઈએમએના તબીબોને ફરી કોવિડ વોર્ડમાં સેવા આપવા કરાયું ઈજન

ભુુજ : જિલ્લામાં કોરોના વાયરસની પરિસ્થિતિ વણસી રહી છે તેમજ સાધન સમગ્રીની અછત હોવાની ઘટનાઓ ઉપરા-છાપરી સામે આવી રહી છે તે વચ્ચે જિલ્લા કલેક્ટરે રેમડેસિવીર ઈન્જેક્શનની અછત ટાળવા માટે તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તેવી તબીબોને તાકીદ કરી છે.
ભુજ ખાતે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન અને જિલ્લા વહિવટી તંત્રની કોરોના સંદર્ભે મિટીંગ યોજાઈ હતી, જેમાં વિવિધ બાબતો અંગે છણાવટ થઈ હતી. આઈએમએના પ્રમુખ અને ગાયનેકોલોજીસ્ટ ડૉ. શૈલેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું કે, રેમડેસિવીર ઈન્જેક્શનની અછત ઉભી ન થાય તે માટે કલેક્ટર દ્વારા તેના પ્રોપર ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો છે તેમજ આઈએમએના તબીબોને સરકારી કોવિડ કેર સેન્ટરમાં ફરજ બજાવવા સંદર્ભે પણ ચર્ચાઓ થઈ છે. જે તબીબો તંત્રની સાથે રહી કોવિડ કેર સેન્ટર શરૂ કરવા માંગતા હોય તેઓને સેન્ટર શરૂ કરવામાં જિલ્લા તંત્ર સહયોગી રહેશે તેવી ખાત્રી કલેક્ટર દ્વારા અપાઈ છે તેમજ ખાનગી હોસ્પિટલોમાં બેડની કેપેસિટી વધારવી સહિતના મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હોવાનું જણાવ્યું હતુું.