રેમડેસિવીરની અછત ટાળવા તેનો યોગ્ય ઉપયોગ કરો : પ્રવિણા ડી.કે.

ભુજ આઈએમએ અને કલેક્ટરની યોજાયેલી મિટીંગમાં આઈએમએના તબીબોને ફરી કોવિડ વોર્ડમાં સેવા આપવા કરાયું ઈજન

ભુુજ : જિલ્લામાં કોરોના વાયરસની પરિસ્થિતિ વણસી રહી છે તેમજ સાધન સમગ્રીની અછત હોવાની ઘટનાઓ ઉપરા-છાપરી સામે આવી રહી છે તે વચ્ચે જિલ્લા કલેક્ટરે રેમડેસિવીર ઈન્જેક્શનની અછત ટાળવા માટે તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તેવી તબીબોને તાકીદ કરી છે.ભુજ ખાતે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન અને જિલ્લા વહિવટી તંત્રની કોરોના સંદર્ભે મિટીંગ યોજાઈ હતી, જેમાં વિવિધ બાબતો અંગે છણાવટ થઈ હતી. આઈએમએના પ્રમુખ અને ગાયનેકોલોજીસ્ટ ડૉ. શૈલેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું કે, રેમડેસિવીર ઈન્જેક્શનની અછત ઉભી ન થાય તે માટે કલેક્ટર દ્વારા તેના પ્રોપર ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો છે તેમજ આઈએમએના તબીબોને સરકારી કોવિડ કેર સેન્ટરમાં ફરજ બજાવવા સંદર્ભે પણ ચર્ચાઓ થઈ છે. જે તબીબો તંત્રની સાથે રહી કોવિડ કેર સેન્ટર શરૂ કરવા માંગતા હોય તેઓને સેન્ટર શરૂ કરવામાં જિલ્લા તંત્ર સહયોગી રહેશે તેવી ખાત્રી કલેક્ટર દ્વારા અપાઈ છે તેમજ ખાનગી હોસ્પિટલોમાં બેડની કેપેસિટી વધારવી સહિતના મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હોવાનું જણાવ્યું હતુું.

ખાનગી હોસ્પિટલો માનવતાનું ધોરણ દાખવે

ભુજ : કોવિડની હોસ્પિટલો દ્વારા દર્દીઓ પાસેથી નિયત કરતા વધુ રકમ વસૂલવામાં આવે છે, જેની ફરિયાદો ઉઠતા જિલ્લા કલેક્ટર તબીબોને સૂચના આપી છે, જેમાં કોરોનાનો દર્દી દાખલ થાય તો ડિપોઝિટની રકમ ન લેવા જણાવાયું છે. તાકીદના ધોરણે દર્દીને સારવાર અપાય તેમજ મિનીમમ ચાર્જ વસૂલવામાં આવે તેવું જણાવ્યું છે. તબીબો દર્દીઓ પાસેથી વધુ રકમ વસૂલે છે તેવી માનસિકતા દૂર કરવા હોસ્પિટલોની બહાર સારવારના ચાર્જનું બોર્ડ લગાવવામાં આવે, જેથી પારદર્શિતા જળવાયેલી રહે તે માટેના સૂચનો આઈએમએના કરાયા હતા.

  • સરકારી હોસ્પિટલમાં ખૂટ્યા વેન્ટીલેટર, ખાનગી તબીબોએ દર્દીની મજબૂરીનો ઉઠાવ્યો લાભ

જેટલી કિંમતમાં નવું વેન્ટીલેટર આવી જાય તેટલો ચાર્જ તો ખાનગી હોસ્પિટલો વસૂલી લે છે

ભુજ : હાલમાં કોરોનાની બીજી લહેરમાં જિલ્લામાં સતત કેસો વધી રહ્યા છે તે વચ્ચે સરકારી કોવિડ કેર સેન્ટરોમાં કોરોનાની સારવાર માટેના વેન્ટીલેટર ખૂટી પડ્યા છે. જો કોઈ દર્દીને ઈમરજન્સીમાં વેન્ટીલેટર જોઈતું હોય તો સરકારી સેન્ટરોમાં મળતું નથી, જેથી દર્દીનો જીવ બચાવવા ખાનગી હોસ્પિટલોમાં તપાસ કરવામાં આવે છે. તેમાં પણ ખાનગી તબીબો દર્દીની મજબૂરીનો લાભ ઉઠાવે છે. જેવો દર્દી અને જેવી તેની ગરજ તેના પ્રમાણે ચાર્જ વસૂલવામાં આવે છે. સરકારે જે ચાર્જ નક્કી કર્યા છે તે તો કોરાણે મૂકી દેવાયા છે. ભુજ, ગાંધીધામ સહિતના વિસ્તારમાં ખાનગી તબીબો રીતસરની લૂંટફાટ મચાવી રહ્યા છે, પરંતુ દર્દીનો જીવ વ્હાલો હોવાથી પરિવારજન ખાનગી તબીબો સામે પોતાની મિલકતો વેચી કે ગિરવે મૂકી નાંણાની કોથળી ખૂલ્લી રાખે છે. જેટલી કિંમતમાં નવું વેન્ટીલેટર આવી જાય તેટલો ચાર્જ ૧૦ થી ૧પ દિવસમાં ખાનગી હોસ્પિટલો વસૂલી લે છે. સરકારી ચોપડે સલામત દર્શાવવા વેન્ટીલેટરનો ચાર્જ મિનીમમ બતાવાય છે, પરંતુ તબીબી સેવા, હોસ્પિટલની સુવિધા જેવા ખોટા બિલો બનાવી લાખો રૂપિયા વસૂલવામાં આવે છે.

રેમડેસિવીરનું વેચાણ કેમિસ્ટોને બંધ કરો

ભુજ : હાલમાં કોરોનાની સારવાર માટે રેમડેસિવીર ઈન્જેક્શનની તાતી જરૂરિયાત વચ્ચે તેની અછત અને કાળાબજારી જોવા મળી રહી છે ત્યારે કેમિસ્ટોને વેચાણ બંધ કરી સીધું કોવિડ કેર સેન્ટરને ઈન્જેક્શન મળે તેવી વ્યવસ્થા ગોઠવવી જરૂરી છે. ભુજ આઈએમએના પ્રમુખે કહ્યું કે, દરેક દર્દીને રેમડેસિવીર ઈન્જેક્શનની જરૂરિયાત હોતી નથી, જેથી લોકોએ
ગભરાવવું નહીં.