રૂ. ૪૭૮.૧૯ લાખના ખર્ચે નિર્મિત ૬૬ કે.વી. દેશલપર (કંઠી) સબ સ્ટેશન લોકાર્પણ કરતા રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર

કોરોના કાળમાં પણ વિકાસયાત્રા અવિરત, કરછને તમામ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા સરકાર કટિબદ્ધ  -રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહીર : નવા સબ સ્ટેશનના લોકાર્પણથી ૭ ગામના ૧૩૫૦ વીજ ગ્રાહકો માટે ઉત્સવની ઘડી

રૂ. ૪૭૮.૧૯ લાખના ખર્ચે નિર્માણ પામેલા ૬૬ કે.વી. દેશલપર(કંઠી) સબ સ્ટેશનનું રાજ્યમંત્રી વાસણભાઇ આહિરે આજરોજ તખ્તીનું અનાવરણ કરી લોકાર્પણ કર્યું હતું.
કચ્છ જિલ્લામાં હાલ કુલ ૧૪૫ સબ-સ્ટેશન્સ કાર્યરત છે. ૬૬ કે.વી.દેશલપર સબસ્ટેશન કાર્યરત થતાં કચ્છમાં ૬૬ કે.વી. વર્ગના સબ-સ્ટેશનની સંખ્યા ૧૨૮ થઇ ગઈ છે. જે થકી મુન્દ્રા તાલુકાના દેશલપર, રામાણીયા, ડેપા, બેરાજા, નાની તુંબડી, મોટી તુંબડી, મોટી ખાખર મળીને કુલ ૭ ગામોના વિજ ગ્રાહકોને પૂરતા વિજ દબાણથી સાતત્યપૂર્વક વિજ પૂરવઠો પૂરો પાડી શકાશે અને ૪ એ.જી. ફિડર તેમજ ૧ જ્યોતિગ્રામ ફિડર થકી વીજ દબાણની સમસ્યાઓ પર પૂર્ણ વિરામ લાગ્યું છે.
સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે આ તકે વધુમાં જણાવ્યું હતુ કે, મુન્દ્રા વિસ્તારમાં હાલ ૨૫ સબ સ્ટેશન કાર્યરત છે અને આગામી ટુંક સમયમાં ૫ નવા સબ સ્ટેશન નિર્માણ પામશે. કોરોના કાળમાં પણ વિકાસયાત્રાને વિરામ નથી આવ્યો. કરછને વીજ ક્ષેત્ર ઉપરાંત શિક્ષણ, આરોગ્ય તેમજ પાણી બાબતે આત્મનિર્ભર બનાવવા સરકાર સતત પ્રયાસો કરી રહી છે. ઉપરાંત તેમણે લાભાન્વિત બનનારા ગામના ગ્રામજનો અને ખેડૂતોને અભિનંદન પાઠવ્યા હતાં.
આ તકે તેમણે નર્મદાના નીર બાબતે પણ ખૂબ ઝડપથી કામગીરી થઈ રહી છે તે અંગે લોકોને માહિતગાર કરી તેમાં સહકાર આપવા અરજ કરી હતી. ઉપરાંત તેમણે તમામ લોકોને કોરોના ગાઈડ લાઈનનું પાલન કરવા તેમજ વીજળીનો બચાવ કરવા પણ અપીલ કરી હતી. જિલ્લા પંચાયત કારોબારીના ચેરમનેશ્રી મહેન્દ્રભાઈ ગઢવી આ તકે વિકાસના કામો થકી મુન્દ્રા તેમજ સમગ્ર કરછને અગ્રેસર લાવવા કચ્છના લોકપ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કર્યો હતો.તેમજ દરેક લોકોને આ વિકાસગાથામાં સહભાગી બનવા સંગઠિત બનવા માટે હાકલ કરી હતી. આ તકે પીજીવીસીએલના અધિક્ષક શ્રી ગરવાએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, આ ૬૬ કે.વી. સબ-સ્ટેશન કાર્યરત થતાં આ વિસ્તારના ૭ ગામોની ખેતીવાડી રહેઠાણ અને ઉદ્યોગોમાં અંદાજે ૧૩૫૦ થી વધુ વીજગ્રાહકોને ગુણવત્તાસભર વીજ પૂરવઠો મળી રહેશે. આભારવિધિ ડેપ્યુટી એન્જીનિયરશ્રી પરમારે તથા કાર્યક્રમનું સંચાલન આશાનન ગઢવીએ કર્યું હતું.
આ કાર્યક્રમમાં માંડવી-મુન્દ્રા ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, મુન્દ્રા નગરપતિશ્રી કિશોરસિંહ પરમાર, કલેકટરશ્રી પ્રવીણા ડી.કે., મુન્દ્રા પ્રાંત અધિકારીશ્રી કે.જી. ચૌધરી, મુન્દ્રા મામલતદારશ્રી કતિરા તેમજ અગ્રણી સર્વશ્રી રતનભાઈ ગઢવી, હરેન્દ્રસિંહ જાડેજા, ડાહયાલાલભાઈ આહિર, વિરમભાઇ ગઢવી, ચેતનભાઈ ચાવડા, સુરેશભાઈ સંઘાર, મહેન્દ્રસિંહ જામ, રાણસિંહ ગઢવી, અરજણભાઇ ગઢવી, પ્રકાશભાઇ પાટીદાર, હરેશભાઈ રંગાણી, વાલજીભાઈ ગઢવી, શક્તિસિંહ જાડેજા, કિર્તીભાઇ રાજગોર, રવાભાઈ આહિર, પ્રણવભાઈ જોશી, મહિપતસિંહ જાડેજા, સોમાભાઈ રબારી, ખેમરાજ ગઢવી, બાબુભાઈ આહિર, નિલેશભાઈ મહેશ્વરી, શાંતિલાલભાઈ, ગોપાલ માતા, સમાજ કલ્યાણ અધિકારી જે.એ.બારોટ, ઉદ્યોગપતિઓ અને જેટકો તેમજ પીજીવીસીએલના કર્મયોગીઓ અને આસપાસના ૮ ગામોના સરપંચશ્રી અને અગ્રણીઓ કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે ઉપસ્થિત રહ્યા હતા.