રૂપાણી સરકારની કેબીનેટ બેઠક શરૂ : વરસાદ, વાવેતરની પરિસ્થિતિ અંગે કરાશે ચર્ચા

ગાંધીનગર : રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે તેમજ કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદ ન થતાં આ વિસ્તારોમાં વાવણી સહિત પાણીની સ્થિતિ અંગે આજે મળેલી રાજ્યમંત્રી મંડળની બેઠકમાં ચર્ચા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. સચિવાલય સાથે સંકળાયેલ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં ૧૩૭ તાલુકાઓમાં વરસાદ નોંધાવા પામ્યો છે. પરંતુ હજુ પણ કચ્છ, પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી જિલ્લાના તાલુકાઓમાં સામાન્ય વરસાદ થયો છે. આ જિલ્લામાં ૧૦ ટકા કરતા પણ ઓછો વરસાદ થતાં વાવણી થઈ શકી નથી. સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ આજે મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં રાજ્યમાં કયાં કયાં વિસ્તારોમાં કેટલો વરસાદ થયો છે કયાં વિસ્તારમાં વરસાદ ખેંચાયો છે. કયાં અપુરતો વરસાદ છે કયાં સુધીમાં વરસાદ ન આવે તો આ વિસ્તારોમાં ઘાસચારો પીવાના પાણી અને કૃષિ અંગેની વિગતો વિભાગો પાસેથી વિગતો મેળવી સમીક્ષા કરીને સબંધિત વિભાગોને આગોતરૂ આયોજન કરવા માટે સુચનાઓ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
આ ઉપરાંત આ બેઠકમાં રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં કયા કયા પાકોનું કેટલું વાવેતર થયું છે તે અંગેની પણ સમીક્ષા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.