રૂદ્રમાતા નજીક બે કાર ભટકાતા બેના મોત : ૧૦ ઘવાયા

ધુળેટીના સપરમાં દિવસે ગમખ્વાર અકસ્માત સર્જાતા રંગમાં પડયો ભંગ : ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા

(ક્રાઈમ પ્રતિનિધિ)ભુજ : તહેવારોના મોટા દિવસોમાં અનેક લોકો પોતાના પરિવાર સાથે વિવિધ સ્થળોએ ફરવા નિકળતા હોય છે અને તે દરમ્યાન અકસ્માતનું પ્રમાણ પણ વધી જાય છે. દરમ્યાન ધુળેટીના સપરમાં દિવસે સમી સાંજે ભુજ ખાવડા રોડ પર રૂદ્રમાતા નજીક બે કાર ભટકાતા બે જણનું કરૂણ મોત નિપજ્યું હતું જ્યારે ૧૦ લોકોને ઈજાઓ પહોંચી હતી.ભુજ બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મેઘપર બોરીચીમાં રહેતા ઉમેશ ઉર્ફે ઉમંગ શીવલાલ સોની (ઉ.વ.૪૮)એ નોંધાવેલી ફરિયાદ મુજબ રૂદ્રમાતા ટ્રેનીંગ સેન્ટર સામે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં જી.જે.૧ર.ઈઈ.૦૮૯પ નંબરની આઈ-ર૦ સ્પોર્ટસ કાર અને જીજે૧ર. બી.આર. ૭૯૧૭ નંબરની કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બન્ને કારો ધડાકાભેર અથડાતા વાહનોનો બુકડો બોલી ગયો હતો. આ અકસ્માતમાં લોકેશ દુર્ગાપ્રસાદ અડવાણી (ઉ.વ.૩૧), મનીષાબેન ચંદુભાઈ ટેકવાણી (ઉ.વ.પ૦)નું કરૂણ મોત નિપજ્યું હતું. તો મીતેશભાઈ ચંદુભાઈ ટેકવાણી (ઉ.વ.રપ), મીનાક્ષીબેન ચંદુભાઈ ટેકવાણી (ઉ.વ.ર૭), કુશ લોકેશભાઈ અડવાણી (ઉ.વ.૩) જ્યારે બીજી કારમાં સવાર ઉમેશ ઉર્ફે ઉમંગભાઈ સોની (ઉ.વ.૪૮), દિનેશ રવીલાલ રાજગોર, નીતાબેન દિનેશભાઈ, ચેતનાબેન ઉમંગભાઈ સોની (ઉ.વ.૯), નિકીબેન હિતેશભાઈ રાજગોર (ઉ.વ.૧૦), ખુશી દિનેશભાઈ રાજગોર (ઉ.વ.પ)ને નાની મોટીથી લઈને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા. ઉલ્લેખનીય છે કે, આ માર્ગ પર પાછલા લાંબા સમયથી રોડનું કામકાજ ચાલી રહ્યું છે. ઠેર ઠેર ડાયવર્ઝન પણ કરવામાં આવ્યું છે. માર્ગના ચાલતા કામોને કારણે પણ વાહન ચાલકો ચાંતરી જતા હોય છે અને છાશવારે અકસ્માતોનું પ્રમાણ વધી ગયું છે.
તહેવારોના દિવસોમાં લોકો ફરવા નિકળતા હોય છે ત્યારે માર્ગ અકસ્માતોના બનાવોને કારણે નિર્દોષ જિંદગીઓ હોમાય છે. મોટા દિવસોમાં લોકો ફરવા નિકળે પરંતુ તકેદારી રાખે તે પણ અનિવાર્ય છે. માર્ગોની ઉબડખાબડ સ્થિતિ તેમજ ટ્રાફિકની સમસ્યાને કારણે અકસ્માત સર્જાવવાથી અનેક પરિવારોનો માળો પીંખાઈ જતો હોય છે..