રાહુલ ગાંધી વિરૂદ્ધ કચ્છ ભાજપની મહિલાઓએ કર્યા સુત્રોચ્ચાર

ભુજ : કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા વડોદરામાં તેમની નવસર્જન યાત્રા દરમ્યાન દેશના અતિ પ્રતિષ્ઠિત અને આઝાદી કાળ પુર્વેથી નિષ્કામ ભાવે સેવા કરતા આવેલા  આરએસએસની મહિલાઓ વિશે શરમજનક રીતે અણછાજતી ટીપ્પણી કરવા બદલ કચ્છ ભાજપ મહિલા મોરચાની બહેનોએ ભુજ સહિત વિવિધ મંડલોમાં તેમના વિરૂદ્ધ ભારે સુત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો. આરએસએસની મહિલા પાંચ ‘રાષ્ટ્રીય સેવિકા સમિતિ’ના સમર્પિત બહેનો આઝાદીની લડાઈ હોય કે, કોઈ પણ કુદરતી આપત્તિ હોય હંમેશા પુરૂષ સમોવડી બનીને દરેક સેવાઓમાં અગ્રેસર રહી છે. અને એમણે હંમેશા નારી શક્તિનું ગૌરવ વધાર્યું છે. ત્યારે રાજકીય પ્રચારની આડમાં અને ગુજરાતને નીચું દેખાડવાને બદ ઈરાદે ભાન ભુલીને જાહેર જીવનના એક જવાબદાર અગ્રણીને કદાપી ન શોભે એવી વિવેક વિહોણી ટીપ્પણી કરવાની સામે સમગ્ર દેશમાંથી ઉગ્ર વિરોધ વ્યક્ત થઈ રહ્યો છે. ત્યારે કચ્છ ભાજપની બહેનોએ પણ જિલ્લાના મધ્યસ્થ કાર્યાલય પર જિલ્લા પંચાયત અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરિયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ચંદ્રિકાબેન લીંબાચિયાના નેતૃત્વમાં તેમના વિરૂદ્ધ ભારે સુત્રોચ્ચાર કર્યા હતા. કાર્યક્રમમાં શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ મંદાબેન પટણી, ભુજ નગરપાલિકા ઉપપ્રમુખ સુશીલાબેન આચાર્ય, નગરસેવિકાઓ અને મહિલા મોરચાના બહેનો હાજર રહ્યા હોવાનું જિલ્લા ભાજપ મિડિયા સહ ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.