રાહુલ આવતા મહિને કોંગ્રેસની સંભાળશે કમાન

નવી દિલ્‍હી : કોંગ્રેસ  ઉપાધ્‍યક્ષ રાહુલ ગાંધીનું અમેરિકા જવુ, ત્‍યાં સંવાદ કરવો, એ બધુ ટીમ રાહુલની ભવિષ્‍યની રણનીતિનો હિસ્‍સો છે. રાહુલ દ્વારા  આપવામાં આવેલા નિવેદન અને સવાલોના જવાબ ઇશારો કરે છે કે તેમની રાજનીતિ ભવિષ્‍યમાં કઇ દિશામાં જવાની છે. રાહુલે પોતાના સટ્ઠંવાદમાં પક્ષના અધ્‍યક્ષની ખુરશી હોય કે પછી વડાપ્રધાન પદની ઉમેદવારી હોય બંને તરફ સંકેત આપી દીધો છે કે તેઓ તૈયાર છે. આ બધુ એમ જ નથી થયુ આની પાછળ મોદી વિરોધી રાજનીતિ, નીતિશનું અલગ થવુ અને ભવિષ્‍ય માટે રાહુલ ગાંધીએ તૈયાર થવુ એ બધુ છે.રાહુલે આ સંવાદ એવે વખતે કર્યો છે કે જયારે એ નક્કી છે કે કોંગ્રેસ પક્ષની સંગઠનની ચૂંટણી બાદ તેઓ સોનિયા ગાંધીનું સ્‍થાન લઇ લેશે. એવુ માનવામાં આવે છે કે આવતા મહિને કોંગ્રેસની કમાન રાહુલ ગાંધીના હાથમાં આવી જશે. તે પહેલા રાહુલ પોતાની છબી સુધારવા માંગે છે.રાહુલના રણનીતિકારોની નજર કોંગ્રેસ અધ્‍યક્ષ પદ પર જ નથી  પરંતુ પીએમ પદની ઉમેદવારી  પહેલા રાહુલને સોનિયાને બદલે વિપક્ષના નેતા તરીકે સ્‍થાપિત કરવાની છે તેથી રાહુલે પીએમ પદની પોતાની ઉમેદવારીના સીધા સંકેતો પણ આપ્‍યા છે. તેઓ જાણે છે કે કોંગ્રેસ વિપક્ષમાં સૌથી મોટો  પક્ષ છે અને પક્ષના નેતા થવાની સાથે-સાથે તેમને વિપક્ષના નેતા તરીકે પણ બાકીના વિપક્ષોમાં સ્‍વીકાર્ય થવાનુ રહેશે. રાહુલ તમામ રાજયોના પ્રાદેશિક પક્ષોના સંપર્કમાં પણ છે. ટીમ રાહુલ નક્કી કરી ચુકી છે કે મોદી સાથે ટકરાવુ હશે તો પહેલા કોંગ્રેસની કમાન સંભાળવી પડશે પછી વિપક્ષોને સાથે લાવી નેતૃત્‍વ કરવુ પડશે અને ર૦૧૯માં પીએમ પદના ઉમેદવાર બનવુ પડશે. આ હિસાબથી તેમણે પક્ષના અધ્‍યક્ષ બનવાની વાત જણાવી હતી.