રાષ્ટ્રીય સ્તરની તબલાવાદન સ્પર્ધામાં ભુજનો તરૂણ ઝળક્યો

ભુજ : કચ્છમાં શિક્ષણની સાથે હવે બાળકો ઈત્તરપ્રવૃત્તિમાં પણ રસ લેતા થયા છે ત્યારે ભુજના તરૂણે તબલાવાદન સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી કચ્છનું નામ રોશન કર્યું છે. અખિલ લોકકળા કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન, પુના દ્વારા તાજેતરમાં ઓનલાઈન નેશનલ કોમ્પિટીશન યોજાઈ હતી, જેમાં કુલ ૭૦૦ સ્પર્ધકોએ દેશના વિવિધ વિભાગોમાંથી ભાગ લીધો હતો. જેમાં ભુજના સ્વપ્ન વિપુલભાઈ શાહે તબલા વાદન જુનિયર કેટેગરીમાં નેશનલ લેવલે પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે. આ સ્પર્ધામાં જજ તરીકે ખ્યાતનામ તબલાવાદક અનિરૂદ્ધ દેશપાંડે ઉસ્તાદે સેવા આપી હતી. સ્વપ્ન શાહ ભુજમાં કાર્તિક મહેતા પાસે તબલાવાદન શીખી રહ્યા છે. આ સિદ્ધિ બદલ તેમને ઠેર-ઠેરથી અભિનંદન મળી રહ્યા છે. તેમને શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. આગામી સમયમાં દુબઈમાં યોજાનાર આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા માટે તેમની પસંદગી થઈ છે.