રામ મંદિર મુદે સુપ્રિમનો ફેંસલો મંજુર : સંઘ

પ૦ દેશોના રાજદુતો અને રાજદ્વારીઓ સાથે આરએસએસના વડા મોહન ભાગવતે કર્યો વાર્તાલાપ

નવી દિલ્‍હી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે ગઇકાલે પ૦ દેશોના રાજદુતો અને રાજદ્વારીઓ સાથે મુલાકાત કરી જણાવ્‍યુ હતુ કે, અમારૂ સંગઠન ભાજપને નિયંત્રિત નથી કરતુ અને ન તો ભાજપ અમારા સંગઠનને નિયંત્રિત કરે છે. તેમણે કહ્યુ હતુ કે, રામ મંદિર મામલે સુપ્રિમ કોર્ટ જે કહે તે અમને મંજુર છે.એક થીન્‍ક ટેન્‍ક તરફથી આયોજીત સત્ર દરમિયાન ભાગવતે કહ્યુ હતુ કે, સંઘ ઇન્‍ટરનેટ પર ટ્રોલીંગને સમર્થન નથી કરતુ અને સંઘ કોઇપણ ભેદભાવ વગર દેશની એકતા માટે કામ કરે છે. તેમણે કહ્યુ હતુ કે, સંઘ ભાજપને નથી ચલાવતુ કે ભાજપ સંઘને ચલાવતુ નથી. અમે સ્‍વતંત્ર રહીને એક સ્‍વયંસેવક તરીકે તેઓની સાથે સંપર્ક કરીએ છીએ અને વિચારોનું આદાન-પ્રદાન કરીએ છીએ.કાર્યક્રમ દરમિયાન મોહન ભાગવતે કહ્યુ હતુ કે રામ મંદિર અને બાબરી મસ્‍જીદ મામલે સુપ્રિમ કોર્ટ જે ફેંસલો આપશે તે અમને માન્‍ય રહેશે. મોહન ભાગવતે વડાપ્રધાન મોદી સાથે પોતાના સારા સંબંધોની વાત જણાવી હતી. આ કાર્યક્રમમાં ભાજપના મહામંત્રી રામ માધવ અને સરકારના રાજય મંત્રી જયંત સિંહા પણ હાજર હતા.ભાગવતે હિન્‍દુત્‍વ અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે સમય સાથે બધુ બદલાય છે. ભાગવતે કહ્યુ હતુ કે જયારે કોઇ કહે છે કે, તે હિન્‍દુ છે તો તેનો મતલબ તેના ધર્મ કે પછી રહેવાની રીતથી નથી. એનો અર્થ એ છે કે સામેવાળો જેવો છે તેને અમે કેવી રીતે સ્‍વીકાર કરીએ છીએ. હિન્‍દુ મતલબ આ પહેરવુ અને આ ખાવુ નથી. કોઇ ચીજને ઠોકી બેસાડવી પણ નથી.