રાપર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ

મિનિ વાવાઝોડા સમાન સ્થિતિને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં અમૂક મકાનોના નળિયા અને પતરા ઉડ્યા : વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને નૂકાશાની

રાપર : એક તરફ કોરોનાનો કહેર અને અને બીજી તરફ કમોસમી વરસાદને કારણે કચ્છના લોકો અને ખેડૂતોની માઠી બેઠી હોય તેવુ લાગી રહ્યુ છે. જિલ્લામાં છેલ્લા એકાદ પખવાડિયાથી વધુ સમયથી કચ્છના જુદાજુદા વિસ્તારોમાં માવઠુ થઈ રહ્યુ છે. તેવામાં મંગળવારે બપોર બાદ રાપર શહેર અને તાલુકા ગ્રામ્ય વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદ વરસ્યો હતો. કાળઝાળ ગરમી વચ્ચે પલટાયેલા હવામાનને કારણે ઠેરઠેર વરસાદ વરસ્યો હતો. સાંજે વાગ્યાના અરસામાં વાગડ વિસ્તારના રાપર શહેર તેમજ આસપાસના ગામોમાં વરસાદના ઝાપટાં વરસ્યા હતા. વરસાદને કારણે રાપરની મુખ્ય બજારો અને શેરીઓમાંથી પાણી વહી નિકળ્યા હતા. તો રાપર તાલુકાના ખેંગારપર, રામવાવ, વજેપર વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ખબક્યો હતો. ભારે પવન ફૂંકાતા કેટલાક ગામડાઓમાં અમૂક મકાનના નળિયા અને પતરા ઉડી ગયા હતા. ધોધમાર ઝાપટારૂપી વરસાદથી ખેતરોમા ઉભા પાકને નુકસાન થયાનું ખેડૂતોએ જણાવ્યુ હતુ. ગાજવીજ સાથે મિનિ વાવાઝોડા સમાન વાતાવરણ સર્જાયું હતું. સખત ઉકળાટભર્યા વાતાવરણ વચ્ચે વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.