રાપર મત વિસ્તારમાં વિકાસ કાર્યોને અપાશે પ્રાધાન્ય : સંતોકબેન આરેઠીયા

નવનિયુકત ધારાસભ્યનો નિકળ્યો વિજય સરઘસ : ઠેર ઠેર કરાયું સ્વાગત – સન્માન : અક્ષર વાડી ખાતે યોજાયું સંમેલન

 

રાપર : રાપર વિધાનસભા મત વિસ્તારમાંથી કોંગ્રેસના સંતોકબેન ભચુભાઈ આરેઠીયા જંગી બહુમતિ સાથે વિજયી બનતા કોંગ્રેસી છાવણીમાં નવી ઉર્જાનો સંચાર થયો છે. રાપર બેઠક પર વિજયી થયેલ નવનિયુકત ધારાસભ્યનું ઠેર ઠેર સન્માન કરાયું હતું. તેમજ રાપર મધ્યે વિજય સરઘર પણ નીકળ્યું હતું.
રાપર વિધાનસભા બેઠક પર સંતોકબેન ભચુભાઈ આરેઠીયાનો ભવ્ય વિજય થતા વાગડ પંથકમાં ઠેર ઠેર તેમનું ભવ્ય સ્વાગત કરાયું છે. તો રાપર શહેરના મુખ્ય માર્ગો પરથી ભવ્ય વિજય સરઘસ નીકળ્યું છે. તો અક્ષર વાડી ખાતે વિશાળ વિજય સંમેલન યોજાયું છે. જેમાં નવનિયુકત ધારાસભ્ય સંતોકબેન ભચુભાઈ આરેઠીયાએ આ જીત બદલ તમામ મતદારો તેમજ કોંગી આગેવાનો, સંગઠનના હોદેદારો, કાર્યકરોનો આભાર માની રાપર મત વિસ્તારમાં વિકાસ કાર્યોને પ્રાધાન્ય આપવાની ખાત્રી ઉચ્ચારી હતી.
ભચુભાઈ આરેઠીયાએ જણાવ્યું હતું કે આ જીત માત્ર કોંગ્રેસની નહીં પરંતુ રાપર મત વિસ્તારની પ્રજાની પણ છે. રાપર વિસ્તારમાં વિકાસ કાર્યો કરવાની નેમ ઉચ્ચારી લોક પ્રશ્નોને વાચા આપવાની નેમ વ્યકત કરી હતી.
આ વેળાએ કરમશી પટેલ, રસીક ઠક્કર, દિનેશ ચંદે, મિતુલ મોરબીયા, મુકેશ ચૌધરી, રમેશ ચૌધરી, જયવીરસિંહ વાઘેલા, વસંત મહેશ્વરી, રોહિત રાજદે, પરબત પટેલ, ખીમજી આરેઠીયા, મહેશ ઠાકોર, મોરાર ચાવડા, ભીખુ સોલંકી, ધારાભાઈ ભરવાડ, વિનય પરષોડ, મહિપતસિંહ જાડેજા, પાંચાલાલ પરષોડ, કાનાભા ગઢવી, કિશોરભા ગઢવી સહિતના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત હતાં.