રાપર-ભચાઉમાં સવારથી ધીમી ધારે વરસાદ યથાવત

ગાંધીધામ : વાગડ વિસ્તારના રાપર અને ભચાઉ તાલુકામાં વાવાઝોડાની અસર તળે ગઈકાલે રાતથી વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે પણ વાદળ છાયા માહોલ વચ્ચે વાગડમાં મેઘ મહેર યથાવત રહેવા પામી હતી. વાવાઝોડુ બનાસકાંઠામાંથી પસાર થઈ રાજસ્થાન તરફ ફંટાવાની શકયતાને જોતા નજીકમાં આવતા રાપર – ભચાઉમાં વરસાદની અસર જોવા મળી હતી. રાપર તાલુકામાં ગઈકાલે હાઇવેપટીના ગામોમાં વરસાદના ઝાપટા વરસ્યા હતા. તો આજે સવારે વાગડ વિસ્તારના રાપર તાલુકાના અનેક ગામોમાં વરસાદના ઝાપટા પડી રહ્યાં છે. તાલુકા મથક રાપરમાં આજે વહેલી સવારથી પવન સાથે વરસાદ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. તાલુકાના પ્રાગપર, ભીમાસર, આડેસર, માખેલ, બાલાસર, ચિત્રોડ, રવ, નંદાસર, રામવાવ, સુવઈ સહિતના લગભગ વિસ્તારમાં વરસાદના ઝાપટા વરસ્યા હતા. ખડીર વિસ્તારમાં પવન વચ્ચે વરસાદ ધીમે ધીમે શરૂ થયો હતો આજે વહેલી સવારથી જ પવન સાથે વરસાદના ઝાપટાના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. વાવાઝોડાની અસર વચ્ચે કોઈ પણ જગ્યાએ નુકસાન થયું નથી આમ આજે વાગડ વિસ્તારના રાપર તાલુકામાં તૌકતેની અસર વચ્ચે વરસાદ થયો હતો ખડીર વિસ્તારમાં વરસાદનો માહોલ સર્જાયો હોવાનું રતનપરના સરપંચ દશરથભાઈ આહિરે જણાવ્યું હતું, તો રાપર આસપાસના ગામોમા પણ ધીમી ધારે વરસાદ થયો હતો. બીજીતરફ ભચાઉ શહેર અને તાલુકામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વાગડમાં વહિવટીતંત્રની સજાગતાને કારણે કયાંય નુકસાની થઈ નથી. ગઈકાલે રાત્રે વાવાઝોડુ ગુજરાતમાં ટકરાતા ભચાઉમાં તંત્ર આખી રાત જાગ્યું હતું. પ્રાંત અધિકારી પી.એ. જાડેજા, મામલતદાર ભગીરથસિંહ ઝાલા, ડીવાયએસપી કે.જી. ઝાલા, નાયબ મામલતદાર હુંબલભાઈ, ખત્રીભાઈ, તાલુકા વિકાસ અધિકારી, સામખિયાળી પીએસઆઈ શ્રી પટેલ, ભચાઉ પોલીસ સ્ટાફ, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, નગરપાલિકા પ્રમુખ કલાવંતીબેન જોષી, શાસકપક્ષના નેતા કુલદીપસિંહ જાડેજા સહિતના અધિકારીઓ – પદાધિકારીઓ પરિસ્થિતિ પર મોનિટરીંગ રાખતા હતા. સરકારી તંત્ર સજ્જ તંત્ર સજ્જ રહ્યું પણ વાવાઝોડાની આફત ટળી જતાં હાશકારો અનુભવાયો હતો. આજે સવારે પવન અને વરસાદ વરસ્યો હતો. દરમિયાન સામખિયાળીમાં એસડીઆરએફની ટીમ તૈનાત રહી હતી. ટીમ સાથે વાગડ વિકાસ મંચના લક્ષ્મીચંદ ચરલા, શાંતિલાલ ગાલા, ઋતુપુરી ગોસ્વામી, મહેન્દ્રભાઈ મહેતા, દામજી વિરજી ગડા હાજર રહ્યા હતા. ટુકડીના નરપતસિંહ, મનિન્દરસિંહ, રામચંદ્ર, શ્રવણ બાના વગેરે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ હોવાનું કહ્યું હતું.