વાગડના રાપર-ભચાઉ પંથકમાં ભારે પવન સાથે પડ્યો વરસાદ

નિલપરમાં પવનથી વીજ થાંભલો પડ્યો, કેટલીક ઓરડીઓના પતરા ઉડ્યા : એકાએક હવામાન પલટતા વરસેલા ઝાપટાને કારણે ખેતીના પાકને નુકશાની : પવનને કારણે કેરીનો ફાલ ખરી પડતા પડ્યા પર પાટું

રાપર : સરહદી કચ્છ જિલ્લામાં છેલ્લા બે-ચાર દિવસથી સખત ઉકળાટ ભર્યું વાતાવરણ જાેવા મળે છે. જેમાં આજે એકાએક વાગડ વિસ્તારના હવામાનમાં પલ્ટો આવ્યો હતો. અને જાેતજાેતામાં બપોરે બે વાગ્યા બાદ કાળાં ડીબાંગ વાદળો વચ્ચે પુરજાેશમાં પવન સાથે ઝાપટા વરસ્યા હતા. તાલુકા મથક રાપરમાં અમી છાંટણાં થયા હતા. જેના કારણે માર્ગો ભીના થઈ ગયા હતા. અને વાતાવરણમા ઠંડક પ્રસરી ગઈ હતી. રાપર શહેર ઉપરાંત નીલપર, સઈ, ડાભુંડા, કિડિયાનગર, પ્રાગપર, વલ્લભપર સહિતના ગામોમાં ઝાપટા વરસ્યા હતા. રાપર તેમજ ભચાઉ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઝાપટા વરસ્યા હતા. ભચાઉ શહેર ઉપરાંત ખારોઈ, ચોબારી, મનફરા, કણખોઈ, કબરાઉ, ગુણાતીતપુર, સુખપર (ભચાઉ), કડોલ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. વાગડ વિસ્તારમાં મેઘાએ ચોમાસાની છડી પોકારી હોય તેમ વરસાદી માહોલ સર્જાયો હતો. રાપર તાલુકાના નિલપર અને પાલનપુરમાં એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જાેતજાેતામાં ગામમાંથી પાણી વહી નિકળ્યા હતા. આજે બપોરે બે વાગ્યા બાદ જાેરદાર મીની વાવાઝોડા સાથે વરસાદ થયો હતો. નિલપર ગામે તોફાની વરસાદના કારણે વિજ થાંભલો પડી ગયો હતો. તો કેટલાક મકાનોના પતરા પણ ઉડી ગયા હતા. થાંભલો ધરાશાહી થતા ઓરડીની દિવાલ પણ જર્જરીત બની હતી. એકથી દોઢ ઈંચ વરસાદથી વાતાવરણમા ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદથી થાંભલા પડી જતાં વિજ પુરવઠો બંધ થઈ ગયો હતો. જે અંગે પીજીવીસીએલમા જાણ કરવામાં આવી હતી. વાગડના ગ્રામ્ય વિસ્તારોમાં મોસમના પહેલા વરસાદને કારણે બાળકોમાં ખુશી જાેવા મળી હતી. વરસતા વરસાદમાં બાળકોએ પલળવાનો આનંદ માણ્યો હતો. આ તરફ અંજાર તાલુકાના કેટલાક ગ્રામ્ય પંથકમાં વરસાદ થયાના અહેવાલો સાંપડ્યા હતા. જેમાં ભીમાસર, દુધઈ, ડગાળા સહિતના પંથકમાં પવન સાથે વરસાદી ઝાપટા વરસ્યા હતા.
તો જિલ્લા મથક ભુજમાં પણ સવારથી ભારે ઉકળાટ ભર્યો માહોલ જાેવા મળ્યો હતો. ભુજમાં બપોર બાદ કેટલાક વિસ્તારોમાં છાંટા પડ્યા હતા. તો કેટલાક વિસ્તારો કોરાકટ રહ્યા હતા. વાગડ વિસ્તારમાં ભારે પવન સાથે વરસેલા વરસાદને કારણે ખેતીના તૈયાર પાકને નુકશાની થઈ હતી. ખેડૂતો તૈયાર પાકના ખરા પર તાલપત્રી ઢાંકીને બચાવ રાહત માટે દોડધામ કરી હતી. તો કેરીના પાકને વ્યાપક નુકશાની થઈ હતી. ભારે પવનના કારણે મોટા પ્રમાણમાં કેરીના ફાલ ખરી પડ્યા હતા.