રાપર પોલીસે વાહનોની બ્લેક ફિલમ ઉતારી ચાલકોને ફટકાર્યો દંડ

રાપર : રાપર પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનો ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો સામે કાર્યવાહી કરાઈ હતી. જેમાં ફોર વ્હીલર વાહનોના કાચ પર લગાડવામાં આવેલી બ્લેક ફિલમ ઉતારીને પોલીસે ચાલકોને દંડ ફટકાર્યો હતો.  પ્રાપ્ત વિગતો મુજબ કચ્છ બોર્ડર રેન્જ આઈજીપી જે. આર. મોથલીયાની સુચનાને પગલે તેમજ પૂર્વ કચ્છ પોલીસવડા મયુર પાટીલના માર્ગદર્શન હેઠળ વાગડ વિસ્તારના રાપર પોલીસ મથક દ્વારા વાહનોમાંથી બ્લેક ફિલમ ઉતારવાની કાર્યવાહી કરાઈ હતી. રાપર પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એમ. જાડેજા, પીએસઆઇ જી. જી. જાડેજા સહિતના પોલીસ કર્મચારીઓએ રાપર શહેર ઉપરાંત રવ ઓપી, ફતેહગઢ ઓપી હેઠળના વિસ્તારોમાં કડક કાર્યવાહી કરી હતી. ફોર વ્હીલર વાહનોમાં બ્લેક ફિલમ લગાડીને કોઈ ગુનાહિત કૃત્ય ન આચરાય તે માટે રાપર પોલીસ દ્વારા કડક પગલાં લેવાતા વાહન ચાલકોમાંં ફફડાટ વ્યાપી ગયો હતો. આ અંગે રાપર પી. આઇ. એમ એમ જાડેજાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે રાપર શહેર તેમજ રવ અને ફતેહગઢ આઉટ પોસ્ટ હેઠળના વિસ્તારોમાં કાળા રંગની બ્લેક ફિલમ લગાવી ફરતા વાહનની સામે પગલાં લેવામાં આવ્યા હતા અને જાહેરમાં બ્લેક ફિલમ પોલીસ દ્વારા કાઢવામાં આવી હતી, તો બીજી તરફ કોરોના અંગે ગફલત રાખતાં વાહન ચાલકોને સ્થળ પર દંડ ફટકારવામાં આવ્યો હતો. જેમાં ૪૨ લોકોને માસ્ક અંગે ૪૨૦૦૦/- નો દંડ કરાયો હતો. તો ૧૦ વાહનો ડીટેઈન કરાયા હતા. જયારે ૧૧ લોકો સામે કલમ ૧૮૮ મુજબના કેસ કરાયા હતા. બ્લેક ફિલમ લગાડનાર ૪૦ જેટલા વાહનો સામે કાર્યવાહી કરાઈ હતી.