રાપર નજીક ર.૭ ની તીવ્રતાનો આંચકો

સવારે ૯.૦ર કલાકે ધ્રુજી ધરા : શહેરથી ર૪ કિ.મી. દુર નોંધાયું કેન્દ્રબિંદુ

ભુજ : પાછલા થોડા દિવસો દરમ્યાન મેઘરાજા વાગડ પંથક પર મનમુકીને મહેરબાન થયા હોઈ સમગ્ર ચિત્ર જ બદલાઈ ગયું છે. સારા વરસાદ બાદ પણ ભૂગર્ભમાં સંગ્રહીત થઈ રહેલી ઉર્જા શાંત ન હોઈ કંપનો સ્વરૂપે સતત બહાર નિકળી રહી છે. વાગડ ફોલ્ટલાઈન એકાએક સક્રિય થઈ હોઈ પુનઃ આજે સવારે રાપર નજીક ર.૭ ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.ભૂકંપ પ્રભાવિત ક્ષેત્ર એવો કચ્છ જિલ્લો સિસ્મીક ઝોન – પ માં આવતો હોઈ સતત ભૂગર્ભીય હલન ચલન અનુભવાતી જ રહેતી હોય છે. રિકટર સ્કેલ પર નીચી તીવ્રતાના કંપનો તો સામાન્ય બની ગયા હોઈ તેની નોંધ પણ હવે સિસ્મોલોજી કચેરી દ્વારા લેવાઈ રહી નથી. જો કે, ર.પ કે તેથી વધુની તીવ્રતાના આંચકાઓ પણ ઉપરાછાપરી અનુભવાઈ રહ્યા હોઈ તેના લીધે કયાંકને કયાંક લોકોમાં છુપો ભય જોવા મળી રહ્યો છે. છેલ્લા લાંબા સમયથી વાગડ ફોલ્ટલાઈનમાં ઉંચી તીવ્રતાના કંપનો અનુભવાઈ રહ્યા હોઈ રાપરથી લઈ દુધઈ સુધીનો વિસ્તાર ધ્રુજી રહ્યો છે ત્યારે આજે ફરી રાપર નજીક ર.૭ ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. સિસ્મોલોજી કચેરી ગાંધીનગરથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ રાપરથી ર૪ કિ.મી. દૂર ભૂગર્ભમાં ર૧.પ કી.મી. ઉંડાઈએ કેન્દ્રબિંદુ ધરાવતો રિકટર સ્કેલ પર ર.૭ ની તીવ્રતાનો આંચકો સવારે ૯.૦ર કલાકે અનુભવાયો હતો.