રાપર નગરપાલિકાની સામાન્ય સભામાં ભાજપના બે સદસ્યો જ હાજર

રાપર : નગરપાલિકા દ્વારા આજે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરપાલિકાના પ્રમુખ અમરતબેન વાવીયાના અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં ભાજપના 15 સદસ્યોમાંથી માત્ર નગરપાલિકા પ્રમુખ અને કારોબારી ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા. તો કોગ્રેસના 14 સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.   સભામા શહેરમાં આવેલા જુદા જુદા વોર્ડમા વિકાસ કામો અંગે ચર્ચા કરાઈ હતી. તેમજ નગરપાલિકાની શાક માર્કેટને ભાડે આપવા, લારીવાળા પર ફરીથી વેરો નાખવા પર વિચારણા કરાઈ હતી. નગરપાલિકાના પ્રમુખ દ્વારા વિવિધ પ્રકારના મુદ્દા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેનો વિરોધ કોગ્રેસના સદસ્યોએ ક્યોં હતો. સભામા નગરપાલિકા પ્રમુખ દ્વારા કોગ્રેસના સદસ્યોનો સાથ લઈને વિકાસના કામોને બહાલી આપવામાં આવી હતી. અંગે રાપર શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે, રાપર શહેરના વિકાસ માટે ભાજપનો જુથવાદ સામે આવ્યો છે. તો વિરોધ પક્ષના નેતાએ જણાવ્યું હતું કે, સભામાં શહેરના વિકાસ માટે સત્તા પક્ષના બે સદસ્યો હાજર રહ્યા હોય તો રાપર શહેરનો વિકાસ કેમ થાય તે સ્વાભાવિક છે. સભામાં ભાજપના ગેરહાજર સદસ્ય અંગે ચીફ ઓફિસર મૌલિક વૈશને પુછતા તેમણે જણાવ્યું હતું કે, તે ભાજપ અને કોંગ્રેસ પક્ષનો પ્રશ્ન છે. નગરપાલિકા દ્વારા તમામ સદસ્યને જાણ કરવામાં આવી હતી.