રાપર નગરપાલિકાના સભ્યની વાડી પરથી પોલીસે ૧.ર૮ લાખનો દારૂ ઝડપ્યો

રેઈડ દરમ્યાન સુધરાઈના એક પૂર્વ મહિલા પ્રમુખનો ભાઈ પોલીસના હાથમાં ન આવ્યો : આશ્ચર્ય વચ્ચે વાડી માલિક સુધરાઈના સભ્ય વિરૂદ્ધ કોઈ કાર્યવાહી નહીં

(ક્રાઈમ પ્રતિનિધિ)રાપર : અહીંની નગરપાલિકાના સદસ્યની વાડી પર પોલીસે દરોડો પાડીને ૧.ર૮ લાખનો શરાબ ઝડપી પાડયો હતો. પોલીસના દરોડામાં સુધરાઈના એક પૂર્વ મહિલા પ્રમુખનો ભાઈ હાથ લાગ્યો ન હતો. પોલીસે તેની વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જો કે, આશ્ચર્ય વચ્ચે વાડી માલિક વિરૂદ્ધ કોઈ પ્રકારનો ગુનો નોંધાયો ન હતો.
કચ્છ બોર્ડર રેન્જ આઈજીપી જે. આર. મોથલીયા તેમજ પૂર્વ કચ્છ પોલીસવડા મયુર પાટીલની સુચના અને માર્ગદર્શન તળે રાપર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન મળેલી બાતમીને પગલે પોલીસે રાપર નગરપાલિકાના વોર્ડ નં. ૧ના નગરસેવક અને હાલ જ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા સદસ્ય દિનેશ ખીમા કારોત્રાની વાડી પર દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે પાડેલા દરોડામાં જુદા જુદા બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી શરાબની બોટલ અને બિયરના ટીન મળીને ૧,ર૮,૪૦૦/-નો દારૂ ઝડપી પાડયો હતો. પોલીસના આ દરોડામાં રાપર નગરપાલિકાના માજી મહિલા પ્રમુખના ભાઈ રાજેશ ઉર્ફે રામરાવણ લખમણ કારોત્રા હાજર મળ્યો ન હતો. પોલીસે આરોપી રાજેશ વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. દરમ્યાન જેમની વાડી પર દરોડો પાડવામાં આવ્યો હતો તેવા રાપર નગરપાલિકાના સદસ્ય વિરૂદ્ધ આશ્ચર્ય વચ્ચે કોઈ પણ પ્રકારનો ગુનો નોંધાવવા પામ્યો ન હતો. આ દરોડાની કાર્યવાહીમાં પીએસઆઇ જે. એચ. ગઢવી, પીએસઆઇ જી. જી. જાડેજા સહિતનો સટાફ જોડાયો હતો.ચર્ચાતી વિગતો મુજબ જયારથી કોરોના મહામારીને લઈને લોકડાઉન લાગ્યું છે ત્યારથી વાડી માલિક દ્વારા બહારથી શરાબનો જથ્થો મંગાવીને મોબાઈલ ફોન ઉપર ડીલીવરી કરવામાં આવી રહી છે. છેલ્લા દોઢ વર્ષથી આ વાડી પરથી દારૂના વેંચાણનો ધંધો ફુલ્યો ફાલ્યો છે. તે દરમ્યાન પોલીસે દરોડો પાડીને ૧.ર૮ લાખનો શરાબ કબજે કરતા ચકચાર મચી ગઈ છે.રાપર પોલીસે ભાજપના આગેવાનના સબંધી અને નગરપાલિકાના સભ્યની વાડી પરથી અંગ્રેજી શરાબનો જથ્થો ઝડપી પાડયો છે જે અંગે રાજકીય ભુકંપ સર્જાયો છે અને હવે ભાજપના કાર્યકરો દારૂના ધંધામાં ઝંપલાવ્યું હોવાનું ફલીત થઈ રહ્યું છે.