રાપર તાલુકાના ચિત્રોડમાં વરસાદી ઝાપટા

રાપર : તાલુકાના ચિત્રોડ પંથકમાં સખત ઉકળાટભર્યા વાતાવરણ વચ્ચે એકાએક વરસાદી ઝાપટા વરસ્યા હતા. સવારે સાડા અગિયાર વાગ્યાના અરસામાં ચિત્રોડમાં વરસાદી ઝાપટા વરસતા પાણી વહી નીકળ્યુ હતુ. ચિત્રોડના વેપારી આગેવાન વિનોદભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, સવારથી ભારે ઉકળાટ અને વાદળછાયા વાતાવરણ વચ્ચે અચાનક દસેક મિનિટ સુધી ઝાપટુ વરસ્યું હતુ. પૂર જોશ સાથે વરસેલા ઝાપટાને કારણે ગામમાં પાણી વહી નીકળ્યા હતા. કચ્છમાં વિધિવત્ત ચોમાસાની શરૂઆત થાય તે પહેલા ચિત્રોડમાં થયેલા વરસાદને કાણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ચિત્રોડ સિવાયના અન્ય પંથકોમાં વરસાદના સમાચાર સાંપડ્યા ન હતા.