રાપર એપીએમસી ચૂંટણી : વાગડના મોવડીઓની શાખ દાવ પર

ર૬મીએ ભરાશે ફોર્મ : ૮ ઓક્ટોબરે મતદાનઃ વર્તમાન ચેરમેનની ભુમિકા રહેશે મહત્ત્વનીઃ અત્યારથી જ જામતો રાજકિય રંગ

 

રાપર : વાગડના રાજકિય નેતાઓનું કદ જિલ્લા કક્ષાએ પણ વિશાળ બનતુું જઈ રહ્યુ છે. સતા પક્ષમાં જ એકથી વધુ ગ્રુપો સક્રિય હોઈ આંતરીક ખેંચતાણ પણ સતત જોવા મળે છે ત્યારે રાપર એપીએમસીની ચૂંટણીના પડઘમ વાગી ગયા હોઈ વાગડના મોવડીઓની શાખ દાવ પર મુકાઈ છે.
રાપર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કુલ ૧૩ બેઠકો છે જે પૈકી ૮ ખેડૂત પ્રતિનિધિઓની ૪ વેપારીઓની અને ૧ સહકારી ખરીદ- વેચાણ મંડળની છે. વર્તમાને ચેરમેન પદે પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતા આરૂઢ છે. આગામી ચૂંટણી માટે અનેક મોટા માથાઓ મેદાને ઉતરે તેવી પ્રબળ સંભાવનાઓ હોઈ પંકજભાઈની ભુમીકા મધ્યની બની રહેશે.
તાજેતરમાં જિલ્લા પંચાયતમાં સમિતિઓની વરણી સંદર્ભે વાગડના સતાપક્ષના બે સદસ્યોએ ખુલીને નારાજગી દેખાડી હતી. ત્યારે એવીએમસીની ચૂંટણીમાં પણ તેનો ભડકો જોવા મળે તેવી સંભાવનાઓ પણ સેવાઈ રહી છે. ચૂંટણી કાર્યક્રમ મુજબ ર૬મીએ ફોર્મ ભરાશે, ર૭મીએ ચકાસણી, ૧-૧૦ના પરત ખેંચાશે જ્યારે ૮ ઓક્ટોબરે ચૂંટણી યોજાયા બાદ ૯મીએ મતગણતરી થશે. એવીએમસીના ભાવિ ચેરમેન માટે પુનઃ પંકજભાઈ મહેતાની સાથે પ્રદિપસિંહ સોઢા, હેતુભા વાઘેલા, અંબાવીભાઈ વાવાયા અને ઘનશ્યામભાઈ પુજારાના નામ હાલે ચર્ચામાં છે. જોકે આ પૈકીના કેટલા ચૂંટણીમાં જંપલાવે છે તે જોવું રહ્યું હાલે ન માત્ર રાપર પરંતુ સમગ્ર વાગડમાં એવીએમસી ચૂંટણીને લઈને ઉત્કંઠા ભર્યો માહોલ સર્જાયો છે.