રાપરમાં મામલતદાર કચેરીની પાછળ યુવકને ઝીંકાયા છરી-તલવારના ઘા

બાઈક અથડાવવા બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર રૂપ ધારણ કરતાં ૭ શખ્સો ‘આજે તો તને પુરો કરી નાખવો છે’ તેવું કહી ધસી આવ્યા

રાપર : અહીં મામલતદાર કચેરી પાછળ આવેલ પાણીના ટાંકા પાસે લોહિયાળ બબાલ સર્જાઈ હતી. બાઈક અથડાવવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી, જેણે ઉગ્ર રૂપ ધારણ કરી લેતા ૭ શખ્સોએ યુવકને છરી અને તલવારના ઘા ઝીંકયા હતા. રાપર પોલીસ સ્ટેશનમાં આજે સવારે નોધાયેલી ફરિયાદ મુજબ રામજીભાઈ કલુભાઈ કોલીએ ૭ શખ્સો સામે નામ જોગ ફરિયાદ નોંધાવી છે, જે મુજબ રવિવારે સાંજે ફરિયાદી રામજી અને આરોપી હેમંત સામંત રાકાણી (કોલી) સાથે બાઈક અથડાવવા બાબતે ઝઘડો થયો હતો. જેની અદાવતે ગઈકાલે સવારે ફરિયાદી અને સાહેદ રાજુભાઈ કોલી બજારમાં ગયા ત્યારે આરોપી સામંત ભુરા રાકાણી (કોલી), હેમંત કોલી અને વેરશી વેલા રાકાણી (કોલી) સાથે ઝઘડો થયો હતો. બાદમાં ફરિયાદી રાપર બજારથી ઘરે આવતા હતા, ત્યારે પાણીના ટાંકા પાસે આરોપીઓ હથિયારો ધારણ કરીને ઉભા હતા. આજે તો તને પુરો જ કરી નાખવો છે, તેમ કહી આરોપી દીપક લાખા રાકાણી (કોલી)એ તેના હાથમાંં રહેલી છરીથી ફરિયાદીને માથામાં ઉપરા ઉપરી બે -ત્રણ ઘા માર્યા હતા. તેમજ આરોપી વેરશી વેલા રાકાણી (કોલી)એ હાથમાં રહેલી તલવારથી ફરીને પીઠના ભાગે તલવારથી ઘા માર્યા હતા. જયારે આરોપી કાનજી છગન રાકાણી (કોલી) અને નાનજી સામંત રાકાણી (કોલી)એ હાથમાં રહેલી છરી અને ધારિયાથી બંને હાથોના કાંડાના ભાગે ઘા મારતા ફરિયાદીને ઈજાઓ થઈ હતી. તેમજ હેમંતે લાકડી વડે ખંભાના ભાગે માર માર્યો હતો, જેથી ૭ આરોપીઓ સામે નામ જોગ ફરિયાદ નોંધાવાઈ છે. જે અંગે પીએસઆઈ હરિભાઈ માનાભાઈ પટેલે તપાસ
સંભાળી છે.